સંજય ટાંક, અમદાવાદ: આમ તો કોઈ જગ્યાએ પહોંચવું હોય અને અટવાઈ જઈએ તો આપણે ગૂગલ મેપ (Google Map)નો સહારો લઈએ છીએ. જોકે, ઘણીવાર તેમાં પણ અટવાઈ જવાય છે. પરંતુ જો તમે અમદાવાદમાં સાયન્સ સિટી વિસ્તાર (Science city area- Ahmedabad)માં છો અને અટવાયા છો તો અમદાવાદના એક વ્યક્તિ તમને ચોક્કસ મદદ કરશે. આ વ્યક્તિ તમને હંમેશા સરનામું બતાવવા માટે હાજર છે. અમદાવાદ દરેક વિસ્તાર અને તેમાં પણ સાયન્સ સિટી વિસ્તારથી આ વ્યક્તિ ગૂગલ કરતા પણ વધારે પરિચિત છે!
આ બોર્ડ લગાવવા પાછળનું કારણ કોઈ અજાણ્યા વ્યક્તિને એડ્રેસ બતાવી શકાય તેવું છે. આ બોર્ડ લગાવનારનું નામ રોહિતભાઈ પટેલ છે. તેમનો દાવો છે કે તેઓ સાયન્સ સિટી વિસ્તારમાં આવેલા ફેલટ, બંગ્લોઝ, કોમર્શિયલ એકમો, બેન્ક અને રેસ્ટોરન્ટ મળી 465થી વધુ જગ્યાના અડ્રેસ ઊંઘમાંથી ઉઠીને પણ બતાવી શકે છે. અડ્રેસ પૂછવા માટે અને રાત હોય કે દિવસ 24 કલાક તેમનો ફોન રણકતો રહે છે. જ્યારે કોઈ વ્યક્તિ સાયન્સ સિટી વિસ્તારમાં આવે અને અડ્રેસ ન મળે ત્યારે રોહિતભાઈને ફોન કરે છે.
મેપ મેન તરીકે ઓળખાતા રોહિતભાઈએ આવા હજારો લોકોને અડ્રેસ બતાવ્યા છે. રોહિતભાઈનું કહેવું છે કે આઠ વર્ષ પહેલા સાયન્સ સિટી વિસ્તારમાં લોકોને સરનામું શોધવા માટે દદ કરી શકાય તે માટે તેમણે બોર્ડ લગાવ્યા હતા. અત્યારસુધી 10 હજારથી વધુ લોકોને તેમણે સરનામા બતાવ્યા છે. સાયન્સ સિટી વિસ્તારમાં 72 રહેણાંક સોસાયટી એવી છે જેના નામ એકસરખા છે. તેમ છતાં રોહિતભાઈને તમામ સ્કીમના નામ અને સરનામા યાદ રહે છે. મહત્ત્વનું છે કે જાહેરખબરોના બોર્ડની વચ્ચે લોકોને સરનામું બતાવતું રોહિતભાઈનું આ બોર્ડ સમાજ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.