અમદાવાદ: રાજ્યમાં 24 કલાકમાં અરવલ્લી, ખેડા, સાબરકાંઠા જિલ્લામાં અકસ્માતોની વિવિધ ઘટના (Road accidents) બની છે. વિવિધ બનાવોમાં એક વ્યક્તિનું મૃત્યું થયું છે તે અમુક લોકો ઈજાગ્રસ્ત થયા છે. બીજી તરફ અરવલ્લીમાં પશુ ભરેલો એક ટ્રક પલટી જતાં છ પશુનાં મોત થયા છે. મળતી માહિતી પ્રમાણે ગૌરક્ષકોએ ટ્રક (Truck) રોકવાનો પ્રયાસ કર્યા બાદ ચાલકે ગૌરક્ષકો પર ટ્રક ચઢાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન ટ્રક પલટો ગયો હતો.
1) ખેડા નજીક અકસ્માત: ખેડા જિલ્લામાં ધનસુરા-બાયડ રોડ (Dhansura Bayad Road) પર અકસ્માતની ઘટના બની છે. આ અકસ્માત ખેડા નજીક બન્યો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે તેમાં કાર ચાલકનું મૃત્યુ થયું છે. કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હતો. આ મામલે ધનસુરા પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે.
2) અરવલ્લીમાં સ્કૂટી અને રિક્ષા વચ્ચે અકસ્માત: અરવલ્લીના મોડાસાના કૉલેજ રોડ પર સ્કૂટી અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો છે. જેમાં વહેલી સવારે સ્કૂલે જઈ રહેલી મા-દીકરીને ટક્કર વાગી હતી. રિક્ષા ચાલકે ટક્કર મારતા માતાને ગંભીર ઈજા પહોંચી છે. બીજા તરફ વિદ્યાર્થિનીને ચહેરા પર ઈજા પહોંચી હતી. અકસ્માતમાં ઘાયલ માતાને સારવાર માટે અમદાવાદ ખાતે ખસેડવામાં આવી હતી. માતા દીકરીને મૂકવા માટે જે. બી. શાહ સ્કૂલ ખાતે જઈ રહી હતી ત્યારે આ અકસ્માત સર્જાયો હતો.
3) એક્સપ્રેસ વે પર અકસ્માત: અકસ્માતનો વધુ એક બનાવ અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે (Ahmedabad-Vadodara express way) પર બન્યો છે. જેમાં મહેમદાવાદ તાલુકાના માંકવા ગામની સીમ વિસ્તારમાં રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે અકસ્માત બન્યો છે. અહીં વિદેશી દારૂ ભરેલા આઇશરને અજાણ્યા વાહન સાથે ટક્કર થઈ હતી. આઇશર ટ્રક વડોદરાથી અમદાવાદ તરફ જઈ રહ્યો હતો. આ અકસ્માતમાં આઇશરના ચાલકને ઈજા પહોંચી છે. ધટનાની જાણ થતા મહેમદાવાદ પોલીસ અને એક્સપ્રેસ વે હાઇવે પેટ્રોલિંગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.
4) 25 પશુ ભરેલો ટ્રક પલટ્યો: અરવલ્લીના મોડાસામાં 25થી વધારે પશુ ભરેલા ટ્રકને અકસ્માત નડ્યો છે. રામ સેનાના કાર્યકરોએ પીછો કરતા ટ્રક ચાલકે રામ સેનાના કાર્યકરો પર ટ્રક ચઢાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. આ ટ્રક મોડાસાથી ઉદેપુર તરફ જઈ રહ્યો હતો. આ દરમિયાન ટ્રક પલટી જતાં અંદર ભરેલા 6 પશુના મોત થયા છે. આ મામલે મોડાસા ગ્રામ્ય પોલીસ વધુ કાર્યવાહી શરૂ કરી છે.
5) બનાસકાંઠામાં લોકોનો ચક્કાજામ: ડીસાના થેરવાડા-તાલેપુરા રોડ પર અકસ્માત બાદ લોકોએ ચક્કાજામ કર્યો છે. જેમાં એક રેતી ભરેલા ટ્રક ચાલકે કારને અડફેટે લઈને અકસ્માત સર્જ્યો હતો. અકસ્માતમાં કારમાં બેઠેલા બે લોકોને ગંભીર ઇજા પહોંચી છે. ઇજાગ્રસ્ત લોકોને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડાયા છે. અકસ્માત બાદ બેફામ ચાલતા ટ્રક ચાલકોથી કંટાળેલા લોકોએ રોડ પર ચક્કાજામ કર્યો હતો.