

LRD પેપર લીક થયા બાદ બોર્ડ દ્વારા 6 જાન્યુઆરીએ ફરી પરીક્ષા લેવામાં આવી. આ પરીક્ષાનું પરિણામ જાહેર થઈ ગયું તેવી લીંક સોશિયલ મીડિયામાં ફરતી થતા, લોકોમાં પરિણામ જાણવાનું કૂતુહલ સર્જાયું છે. જોકે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી આ માહિતી માત્ર અફવા છે, હજુ સુધી LRD પરીક્ષાનું પરિણામ જાહેર નથી થયું, જેથી લોકોએ ગેર માર્ગે દોરાવાની જરૂર નથી.


પ્રાપ્ત માહિતી અનુસાર, સોશિયલ મીડિયા પર હાલમાં એક માહિતી વાયરલ થઈ છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, LRD પરીક્ષાનું પરિણામ જાહેર થઈ ગયું છે, આ પરીણામ જોવા આ લીન્ક પર ક્લીક કરો. જોકે, તમને જણાવી દઈએ કે, આ માહિતી ખોટી છે. આ લીન્ક LRD પરિણામની નથી.


તો લીન્કની હકિકત શું છે? - આ મુદ્દે લોકરક્ષક દળના અધ્યક્ષે જણાવ્યું કે, સોશિયલ મીડિયામાં જે લીંક વાયરલ થઈ છે તે, LRD પેપર આપનાર ઉમેદવારોના Answer keyની છે. બોર્ડ દ્વારા પેપરની પ્રોવિઝનલ Answer keyજાહેર કરવામાં આવી છે, આ પરિણામ નથી.


તેમણે વધુ સમજાવતા કહ્યું કે, બોર્ડ દ્વારા ઉમેદવારો માટે પ્રોવિઝનલ Answer key જાહેર કરવામાં આવે છે, જેથી ઉમેદવારને પોતાને મળેલા માર્ક્સમાં કોઈ વાંધો હોય તો, તે Answer key જોઈ બોર્ડને આ મુદ્દે જાણ કરે, અને પોતાના વાંધાની માહીતી મેળવી શકે તે માટે 15 દિવસનો સમય આપવામાં આવે છે. આ પ્રક્રિયા બાદ શોર્ટ લીસ્ટ કરવામાં આવશે, અને મેરિટના આધારે જે ઉમેદવાર સિલેક્ટ થયા હશે તેમને જાણ કરવામાં આવશે. (Answer key જોવા આ લીન્ક કોપી કરી બીજુ ટેબ ખોલી તેમાં પેસ્ટ કરો - https://www.lrbgujarat2018.in/Final_Answer_Key_Dt.05.02.2019.pdf )


ઉલ્લેખનીય છે કે, LRD પેપર લીક મામલે ઘણો વિવાદ સર્જાયો હતો, ત્યારબાદ સરકારે પેપર ફરી લેવાનો નિર્ણય લીધો હતો. તે માટે સરકારે ઉમેદવારોને ફ્રીમાં પરીક્ષા સ્થળ પર જવાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. આમ 6 જાન્યુઆરીએ LRDની પરીક્ષા ફરી ગોઠવવામાં આવી હતી. આજે જે લીંક સોશિયલ મીડિયામાં વાયરલ તઈ છે તે માત્ર પ્રોવિઝનલ માર્ક્સની છે, જેથી કોઈ ઉમેદવાર ગેરમાર્ગે ન દોરાય.