સંજય ટાંક, અમદાવાદ: IPL ક્રિકેટ મેચ હાલ તેના અંતિમ પડાવમાં ચાલી રહી છે. આઈપીએલની સેમિફાઇનલ અને ફાઈનલ મેચ અમદાવાદમાં યોજાવાની છે. જેને લઈને ટ્રાફિક વિભાગ દ્વારા ખાસ એક્શન પ્લાન તૈયાર કરાયો છે. ખાસ કરીને 26 મે અને 28 મેના બન્ને દિવસમાં સ્ટેડિયમ આસપાસ ટ્રાફિકજામની સ્થિતિ ન સર્જાય અને કોઈ ગેરવ્યવસ્થા ન સર્જાય તેને લઇ અમદાવાદ ટ્રાફિક વિભાગે ખાસ આયોજન કર્યું છે. જે માટે કેટલાક વિસ્તારમાં રૂટ પર પ્રતિબંધ તો ક્યાંક ડાયવર્ઝન આપવામાં આવ્યું છે.
ઇન્ડીયન પ્રીમિયર લીગની સેમિફાનલ અને ફાઈનલ અમદાવાદમાં રમાવાની છે. જેમાં એક મેચ શુક્રવાર અને એક 28મી મેના રોજ રવિવારે યોજાશે. ટ્રાફિક વિભાગ વેસ્ટ ઝોનના ડીસીપી નીતા દેસાઈ જણાવે છે કે, ફાઈનલ અને સેમિફાઇનલ બંને મેચ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. મેચને લઇ 26મીએ બપોરે 2:00 વાગ્યાથી 27મી મેના રોજ રાત્રે બે વાગ્યા સુધી જનપથ ટીથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ મુખ્ય ગેટ તરફ જવા વાહનો માટે અવરજવર પર પ્રતિબંધ લગાવ્યો છે.