વિભુ પટેલ, અમદાવાદ : મેટ્રો રેલ પ્રોજેકટ (ahmedabad Metro Rail Project) ફેઝ -૧ માં બે કોરિડોર છે. એક નોર્થ - સાઉથ કોરિડોર અને બીજો ઇસ્ટ - વેસ્ટ કોરિડોર છે. નોર્થ - સાઉથ કોરિડોર - ગ્યાસપુર ડેપોથી મોટેરા અને ઇસ્ટ - વેસ્ટ કોરિડોર – થલતેજ ગામથી વસ્ત્રાલ ગામ. ઉત્તર - દક્ષિણ ( NS ) કોરિડોરની લંબાઈ ૧૮.૮૯ કિલોમીટર છે, અને ૧૫ એલિવેટેડ મેટ્રો સ્ટેશન (Metro Station) નો સમાવેશ થાય છે. જો કે ગ્યાસપુર ડેપોનું કામ પુર્ણ થઇ ગયેલ છે. અને મેટ્રો ટ્રેન (Metro Train) ના ટ્રાયલની શરૂઆત ગ્યાસપુર ડેપોથી જીવરાજ સુધી માર્ચ, ૨૦૨૨ માં કરવામાં આવેલ હતી, ત્યારબાદ તેને લંબાવીને વિજયનગર સુધી ટ્રાયલ કરવામાં આવી હતી.
૨૦ મી મે , ૨૦૨૨ રોજ ગ્યાસપુર ડેપોથી મોટેરા મેટ્રો સ્ટેશન સુધી મેટ્રો ટ્રેનની ટ્રાયલ હાથ ધરી હતી. આ ટ્રાયલ દરમિયાન, મેટ્રો ટ્રેન એપીએમસી, જીવરાજ, રાજીવનગર, શ્રેયસ, પાલડી, ગાંધીગ્રામ, જૂની હાઈકોર્ટ, ઉસ્માનપુરા, વિજયનગર, વાડજ, રાણીપ, એઈસી, સાબરમતી મેટ્રો સ્ટેશનથી પસાર થઈ મોટેરા મેટ્રો સ્ટેશન પર પહોંચી હતી.
તેવી જ રીતે પુર્વ - પશ્ચિમ કોરિડોરમાં મેટ્રો રેલની કામગીરી પૂરજોશમાં પ્રગતિમાં છે. જીએમઆરસી, કમિશ્નર ઓફ મેટ્રો રેલ સેફ્ટી ( સી.એમ.આર.એસ ) ને સ્થળ તપાસ માટે આમંત્રિત કરશે અને કાયદાકીય પ્રક્રિયા અન્વયે મેટ્રોના ઓપરેશન માટે મંજૂરી આપવા વિનંતી કરશે, ઓગસ્ટના અંત સુધીમાં બન્ને કોરિડોર કાર્યરત થઈ શકે તે પ્રમાણે કામગીરી ચાલી રહેલ છે. જો કે ઓગસ્ટમાં ફેેેઝ વનનું કામ પૂર્ણ થતા શહેરવાસીઓ માટે વધુ એક ટ્રાન્સપોર્ટ સુવિિધા મળશે.