ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (IIM) અમદાવાદમાં (Ahmedabad) અભ્યાસ કરી ચૂકેલા શ્રીકાંત દાતારને (Shrikant Datar) પ્રતિષ્ઠિત હાર્વર્ડ યુનિવર્સિટીની હાર્વર્ડ બિઝનેસ સ્કુલના ડીન બનાવવામાં આવ્યા છે. તેઓ 2021ની પહેલી જાન્યુઆરીથી પદભાર સંભાળશે. અત્યારે પણ તેના ડીન તરીકે ભારતીય મૂળના નિતિન નોહરિયા છે. 2010થી તેઓ આ જવાબદારી સંભાળી રહ્યા છે. હાવર્ડ બિઝનેસ સ્કૂલ અમેરિકાના બોસ્ટનમાં આવેલી હાવર્ડ યુનિવર્સિટીની જ સ્કૂલ છે, જેનું વિશ્વમાં નામ છે.
જગવિખ્યાત અને100 વર્ષ વધુ પુરાણી સંસ્થામાં સતત બીજી વખત ભારતીય મૂળના ડીનની નિમણૂક થઇ છે. સ્કૂલના પ્રેસિડેન્ટ લેરી બાકોએ કહ્યુ હતુ કે, છેલ્લા ૨૫ વર્ષથી શ્રીકાંત અહીં કામ કરી રહ્યા છે અને તેમની કામગીરી હંમેશા પ્રસંશનિય રહી છે. તેમનામાં લિડરશિપના તમામ ગુણો છે. એટલે ભવિષ્યની પેઢીને તેઓ વધુ સારી રીતે તૈયાર કરી શકશે એ વાતમાં કોઈ શંકા નથી. 1986માં તેઓ હાવર્ડ બિઝનેસમાં જોડાયા હતા અને ત્યારથી આસિસ્ટન્ટ ડીન સહિતના અનેક રોલ ભજવતા આવ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે, શ્રીકાંત એક ઈનોવેટિવ એજયુકેટર છે.
શ્રીકાંત દાતરે 1973માં બોમ્બે યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી પ્રાપ્ત કરી હતી. આંકડા અને અર્થશાસ્ત્રમાં માસ્ટર ડિગ્રી પૂર્ણ કરતા પહેલા તેઓ અમદાવાદના IIMમાંથી બિઝનેસ મેનેજમેન્ટમાં અનુસ્નાતક ડિપ્લોમા મેળવ્યો હતો. દાતારે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી બિઝનેસમાં પીએચ.ડી. કરેલું છે. IIMના ડિરેક્ટર એરોલ ડિસોઝાએ એક ટ્વિટ કરી જણાવ્યું કે, અમારા માટે આ ગર્વની વાત છે કે, સંસ્થાના પૂર્વ વિદ્યાર્થી અને ફોર્મર બોર્ડ મેમ્બર શ્રીકાંત દાતારને હાર્વર્ડ બિઝનેસ સ્કુલના ડીન બનાવાયા છે.