અમદાવાદ આઈઆઈએમમાં (Ahmedabad IIM) એમબીએના બીજા વર્ષમાં અભ્યાસ કરતી 25 વર્ષની બિહારની યુવતી દ્રષ્ટિ રાજ કાન્હાનીએ બુધવારે આઈઆઈએમની હોસ્ટેલમાં (IIM Hostel) પોતાના રૂમમાં ગળાફાંસો ખાઈને આપઘાત (Suicide) કરી લેતા ચકચાર મચી ગઇ છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. જોકે પોલીસને કોઈ સ્યુસાઈડ નોટ મળી ન હોવાથી આપઘાતનું કારણ અકબંધ છે. સેટેલાઈટ પોલીસ આ અંગે વધુ તપાસ કરી રહી છે. આ ઘટનાને કારણે કેમ્પસના અન્ય વિદ્યાર્થીઓ અને પ્રોફેસર માટે આઘાતજનક છે.
ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટમાં બુધવારે સાંજે 4 વાગ્યાની આસપાસ પીજીપીના બીજા વર્ષમાં અભ્યાસ કરતી મૂળ બિહારની 25 વર્ષીય યુવતીએ ગળાફાંસો ખાઇને જીવન ટૂંકાવ્યું હતું. આ અંગે સિક્યોરિટી ગાર્ડે સેટેલાઇટ પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી ડેડબોડી પોસ્ટમોર્ટમ કરવા સોલા સિવિલ હોસ્પિટલમાં મોકલી આપી હતી. પોલીસે યુવતીની હોસ્ટેલમાં રહેતા અન્ય વિદ્યાર્થીઓની પૂછપરછ હાથ ધરી છે. પોલીસે યુવતીનો મોબાઇલ કબ્જે કર્યો હતો. પરંતુ મોબાઇલ ચાલુ કરવા પાસવર્ડ જાણવા સાયબર ક્રાઇમની મદદ લીધી છે. મોબાઇલ ખુલ્યા બાદ અને કોલ ડિટેલ્સ મળે તેના આધારે કારણ મળવાની શક્યતા છે.
આઈઆઈએમ-અમદાવાદમાં પીજીપી કોર્સની બીજા વર્ષની વિદ્યાર્થિની દૃષ્ટિ રાજે આપઘાત કરી લેતા કેમ્પસમાં આઘાતની લાગણી ફરી વળી હતી. ગર્લ્સના ડોમ નં.૮માં પોતાના રૂમમાં દૃષ્ટિ પંખાની સાથે ફાંસો લગાવેલી હાલતમાં મળી આવી હતી. દ્રષ્ટિ અભ્યાસમાં અત્યંત તેજસ્વી હતી તો કયા કારણોસર તેને આ અંતિમ પગલુ ભર્યું તે અંગે હાલ કોઇ વિચારી રહ્યું છે. તેના પિતા નોકરિયાત અને માતા હાઉસવાઈફ છે.