

નવીન ઝા, અમદાવાદ : અમદાવાદના વેજલપુરમાં અજબ-ગજબ કિસ્સો સામે આવ્યો છે. સાથે જ કુતૂહલ પણ સર્જાયું છે. અહીં એક પતિએ તેની પત્નીની જીભ કાપી નાખી છે. આ મામલે પરિણીતાએ પોતાના પતિ સામે જ ફરિયાદ દાખલ કરી છે. પત્નીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરીને આક્ષેપ કર્યો છે કે તેના પતિએ જ તેની જીભ કાપી નાખી છે. છરી વડે જીભ કાપી નાખ્યા બાદ પતિ ફરાર થઈ ગયો હતો.


પત્નીએ ફરિયાદમાં લખાવ્યું છે કે બુધવારે મોડી રાત્રે તેના પતિએ તેની પાસે જીભથી જીભની કિસ કરવાની માંગણી કરી હતી. પતિની આવી વાત બાદ પત્નીએ જીભ બહાર કાઢતા પતિએ છરી વડે પત્નીની જીભ જ કાપી નાખી હતી. પત્નીની જીભ કાપી નાખ્યા બાદ પતિ ઘર બંધ કરીને ત્યાંથી ભાગી ગયો હતો.


જે બાદમાં પત્નીએ પાડોશીની મદદ માંગી હતી. પાડોશીઓએ ઘરનો દરવાજો ખોલીને ઘાયલ મહિલાને હોસ્પિટલ પહોંચાડી હતી. હાલ હોસ્પિટલ ખાતે મહિલાની સારવાર ચાલી રહી છે.


આ મામલે વેજલપુર પોલીસ ઇન્સ્પેક્ટરે જણાવ્યું હતું કે, મહિલાની ફરિયાદ બાદ તેના પતિ સામે આઈપીસીની કલમ 326,498 ખ હેઠળ ગુનો દાખલ કરીને તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે. પતિએ શા માટે આવું કૃત્યું કર્યું હતું તે વાત તેની ધરપકડ બાદ જ સામે આવશે.