વિભુ પટેલ, અમદાવાદ: મતદાર યાદી (Voter List)માં નામ નોંધાવ્યું છે પરંતુ ચૂંટણી કાર્ડ નથી આવ્યું? જોકે, હવે આ માટે ચિંતા કરવાની જરૂર નથી. હવે તમે આધાર કાર્ડ (Aadhaar Card)ની જેમ વોટર આઈડીનું પણ ડિજિટલ વર્ઝન (Digital Voter ID card) ડાઉનલોડ કરી શકશો. કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા મતદારો માટે વિશેષ સુવિધા પોર્ટલ પર શરૂ કરવામાં આવ્યું છે. www.nvsp.in પર e-EPIC સુવિધા આપવામાં આવી છે. e-EPIC પરથી મતદારો પોતાનું ડિજિટલ વોટર આઈડી ડાઉનલોડ કરી શકશે. હાલ આ સુવિધા નવા નોંધાયેલ મતદારો માટે શરૂ કરવામાં આવી છે. ધીમે ધીમે આ સુવિધાનો લાભ તમામ મતદારો લઈ શકશે. ઉલ્લેખનીય છે કે હાલ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે.
અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારી ચેતન ગાંધીએ જણાવ્યું હતુ કે, નવી મતદાર યાદી જાહેર કરવામાં આવી છે. નવી યાદીમાં અમદાવાદ જિલ્લામાંથી 93 હજાર નવા મતદારોનો સમાવેશ થયો છે. આ નવા મતદારોને ચૂંટણી કાર્ડ મળશે, પરંતુ તેઓ તેનું ડિજિટલ વર્ઝન મેળવી શકે છે. આને પણ મતદાનની પ્રક્રિયામાં પુરાવા તરીકે માન્ય રાખવામાં આવશે. જાણો તમે કેવી રીતે ડિજિટલ વર્ઝન મેળવી શકો છો.
સવાલ: ક્યાંથી ડાઉનલોડ કરી શકાય? જવાબ: e-EPICને તમે http://voterportal.eci.gov.in/ અથવા https://nvsp.in/ પરથી ડાઉનલોડ કરી શકો છો. એન્ડ્રોઇડ યૂઝર્સ https://play.google.com/store/apps/details?id=com.eci.citizen પરથી અને iOS યૂઝર્સ https://apps.apple.com/in/app/voter-helpline/id1456535004 પરથી ડાઉનલોડ કરી શકે છે.
સવાલ: મોબાઇલમાં e-EPIC માટે શું કરવું પડશે? જવાબ: મતદાન કરવા માટે લાયક થયા બાદ તમારે મતદાર યાદીમાં નામ નોંધાવવું પડશે. નામ નોંધાવતી વખતે તમારે તમારો મોબાઇલ નંબર પણ નોંધાવવો પડશે. વોટર લિસ્ટમાં તમારું નામ આવી ગયા બાદ તેમને ઇ-મેઇલ કે એસએમએસ મોકલવામાં આવશે. જે બાદમાં એક ઓટીપીની મદદથી તમે તમારા મોબાઇલમાં વોટર કાર્ડ ડાઉનલોડ કરી શકો છો.
મતદાતા પોર્ટલ પર રજિસ્ટર/લૉગીન કરો. મેનુમાં નેવિગેશનમાંથી ડાઉનલોડ ઈ-ઈપીઆઈસી ક્લિક કરો. ઈપીઆઈસી નંબર અથવા ફોર્મ સંદર્ભ સંખ્યા દાખલ કરો. રજિસ્ટર મોબાઇલ નંબર પર એક ઓટીપી આવશે, જેને વેરિફાય કરો. e-EPIC પર ક્લિક કરો. જો મોબાઇલ નંબર Erollમાં નોંધાયેલો નથી તો, KYC માટે e-KYC પર ક્લિક કરો. જે બાદમાં તમામ પ્રક્રિયા પૂર્ણ કરીને ઈ-ઈપીઆઈસી ડાઉનલોડ કરો.