સંજય ટાંક, અમદાવાદ : હોળી-ધૂળેટીનો (Holi-2022)તહેવાર નજીક આવતા બજારોમાં કલર (Color)જોવા મળી રહ્યા છે. આમ તો બજારમાં વેચાતા કલરમા કેમિકલની મિલાવટ જોવા મળતી જ હોય છે જે કોઈપણ પ્રકારે ચામડીને નુકશાન પહોંચાડે છે. પરંતુ અમદાવાદના (Ahmedabad)બે એન્જીનિયર્સની મહેનત રંગ લાવી છે. શહેરમાં મંદિર સહિત દેવસ્થાનોમાં ભગવાનને ફૂલ (Flower)ચઢાવવામાં આવતા હોય છે એ ફૂલો યેનકેન પ્રકારે ફેંકી દેવતા હોય છે. એ ફેંકી દેવાયેલા ફૂલોનો સદુપયોગ કરી બે એન્જીનિયર્સએ હર્બલ કલર તૈયાર કર્યા છે. જે આ વખતે બજારમાં ધૂમ મચાવી રહ્યા છે.
રંગોના તહેવાર ધૂળેટીને (dhuleti 2022) હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ધૂળેટીમાં (dhuleti)સામાન્ય રીતે ફૂલ ડોલ ઉત્સવ તો રમાય છે પણ ભગવાનને ચઢાવેલા ફૂલો અને તે પણ બીજા દિવસે નદીમાં પધરાવી દેવાયેલા કે ઝાડ નીચે મુકી દેવાયેલા કે પછી ડમ્પિંગ સાઈટ પર ડમ્પ કરી દેવાયેલા ફૂલોમાંથી પણ કલર બની શકે તેવી કોઈએ કલ્પના કરી નહીં હોય. જે અમદાવાદના બે એન્જીનિયર્સ યશ અને અર્જુનએ કરી છે.
અર્જૂને ન્યૂઝ 18 સાથેની વાતચીતમાં જણાવ્યું કે આ એ રંગો છે જે ફૂલો ભગવાનને ચઢાવી ફેંકી દેવાય છે. ગુલાબમાંથી ગુલાબી, મેરિગોલ્ડ અને હળદરના ઉપયોગથી પીળો કલર જ્યારે પાલખ, લીલા પાંદડામાંથી ગ્રીન કલર બનાવ્યો છે. અમે ત્રણ વર્ષથી આ ફૂલો પર કામ કરીએ છીએ. અમે ખાતર અને અગરબત્તી પણ બનાવી રહ્યા છીએ. સાથે ધૂળેટી આવી રહી છે ત્યારે અમને વિચાર આવ્યો કે ફૂલોમાંથી કલર કેમ ન બનાવી શકાય. આ માટે અમે એના પર કામ શરૂ કર્યું.
યશે જણાવ્યું કે જે પણ કલર તૈયાર થાય છે તે ઓર્ગેનિક કલર છે. તેમાં કોઈ પ્લાસ્ટિકનો ઉપયોગ થતો નથી. લોકો ભગવાનને ફૂલ ચઢાવી ફેંકી દે છે કે પછી નદીમાં પધરાવી દે છે. કે ઝાડ નીચે મૂકી દે છે. ફૂલોથી હોળી રમવાનું પુરાણોમાં પણ લખ્યું છે. બજારમાં જે હર્બલ કલરના નામે રંગો મળે છે તેમાં ટેલકમ પાઉડર હોય છે. ઘણીવાર આવા રંગોમાં કાપડને કલર કરવા માટે વપરાતા કેમિકલ પણ વપરાય છે. અમે જે કલર બનાવીએ છીએ તેમાં સ્કિનને કોઈ નુકસાન જતું નથી ઉલટાની સ્કીન પર ગ્લો વધી જાય છે. ફેંકી દેવાયેલા ફુલોને અમે સુકવી દઇએ છીએ. તેમાંથી પાઉડર કરી તેને ઉકાળવામાં આવે છે. અમે તેમાં મકાઈનો લોટ નાખવામાં આવે છે. ત્યારબાદ તેને ક્રાફટ પેપરમાં પેક કરવામાં આવે છે. મકાઈ પાઉડર પણ સ્કિન ફ્રેન્ડલી હોય છે. જેથી તે સ્વાસ્થયને કોઈ નુકસાન પહોંચાડતું નથી.