અમદાવાદ: રાજ્યમાં આગામી 13થી 17 જુલાઈ દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છ તથા દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ ૫ડવાની સંભાવના છે. આ નિચાણવાળા વિસ્તારોમાંથી આગોતરું સ્થળાંતર કરવા માટે વહીવટીતંત્રને જરૂરી સૂચનાઓ આપી દેવામાં આવી હોવાનું રાહત કમિશનર અને મહેસૂલ સચિવ પી. સ્વરૂપે જણાવ્યું હતું. આજે ગાંધીનગર ખાતે રાહત કમિશનર અને મહેસૂલ સચિવ પી. સ્વરૂપના અધ્યક્ષસ્થાને વેધર વોચ ગૃપની બેઠક યોજાઈ હતી.
રાહત કમિશનરે કહ્યું હતું કે, હવામાન વિભાગની આગાહી મુજબ 13થી 17 જૂલાઇ દરમિયાન સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, મોરબી તેમજ કચ્છ જિલ્લામાં તથા દક્ષિણ ગુજરાતના છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ ૫ડવાની સંભાવના રહેલી છે. આ જિલ્લાઓમાંથી ઉંચાણવાળા વિસ્તારમાં સ્થળાંતરની કામગીરી કરવામાં આવશે.
તેમણે કહ્યું હતું કે, રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિને પહોંચી વળવા અમરેલી 1, બનાસકાંઠા 1, ભરૂચ 1, ભાવનગર 1, દેવભૂમી દ્વારકા 1, ગીરસોમનાથ 1, જામનગર1, જુનાગઢ 1, કચ્છ 1, નર્મદા 1, નવસારી 2, રાજકોટ 1, સુરત 1 અને તાપીમાં 1 એમ NDRFની કુલ -18 ટીમો તહેનાત કરવામાં આવી છે. જ્યારે ભારે વરસાદના કારણે છોટા ઉદેપુર 1, નર્મદા 1, આણંદ 1, ભરૂચ 2, છોટાઉદેપુર 1, ડાંગ 1, ગીરસોમનાથ 2, જામનગર 1, ખેડા 2, મોરબી 1, નર્મદા 1, પાટણ 1, પોરબંદર 1, સુરેન્દ્રનગર 2, તાપી 1 આમ SDRFની કુલ 18 પ્લાટુન તહેનાત કરવામાં આવી છે.
રાજ્યમાં જળાશયોની વિગતો આપતાં તેમણે કહ્યું હતું કે, સરદાર સરોવર જળાશયમાં 159404 એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શકિતના 47.71% છે. જેમાં પાણીની આવક થતાં ગત સપ્તાહ કરતાં 7% જેટલો વઘારો થયો છે. રાજયનાં 206 જળાશયોમાં 251209 એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે જે કુલ સંગ્રહ શકિતના 33.61% છે. હાલમાં રાજ્યમાં હાઇએલર્ટ ૫ર કુલ 18 જળાશય, એલર્ટ ૫ર કુલ 8 જળાશય તેમજ વોર્નીગ ૫ર કુલ 11 જળાશય છે.