અમદાવાદ: રાજ્યભરમાં (Gujarat Weather) હાલ ઠંડીનું પ્રભુત્વ છવાયું છે. ત્યારે હવામાન વિભાગની (Gujarat Weather forecast) આગાહી પ્રમાણે, ગુજરાતમાં (Gujarat winter) આગામી 3 દિવસ દરમિયાન તાપમાનમાં વધારો નોંધાશે. જેથી ઠંડીમાં પણ ઘટાડો નોંધાતા લોકો રાહતનો શ્વાસ લેશે. આ સાથે ઉત્તર ભારતમાં હિમવર્ષા તતા આગહી મુજબ રાજ્યમાં 22 જાન્યુઆરી બાદ ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂ થઇ શકે છે. અમદાવાદમાં આગામી 22થી 25 જાન્યુઆરી દરમિયાન લઘુતમ તાપમાન 9 ડિગ્રીથી નીચે જવાની શક્યતા છે.
રવિવારે, અમદાવાદમાં ત્રણ દિવસ બાદ સરેરાશ લઘુતમ તાપમાનનો પારો 10 ડિગ્રીથી વધારે રહ્યો હતો. રાતે અમદાવાદમાં 12.8 ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં 1 ડિગ્રીનો વધારો થયો હતો. રાજ્યમાં 5 ડિગ્રી સાથે નલિયામાં સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. જ્યારે ગાંધીનગરમાં 12.2 ડિગ્રીએ લઘુતમ તાપમાનનો પારો રહ્યો હતો. તો અમદાવાદમાં 12.8, વડોદરામાં 12, ભાવનગરમાં 12.9, કંડલામાં 13, સુરતમાં 17.9 અને રાજકોટમાં 12.2 ડિગ્રી ઠંડી અનુભવાઈ હતી. આ ઉપરાંત પાટણમાં 9.2, ડીસામાં 9.2 ઠંડી નોંધાઇ હતી.
ઉત્તર ભારતમાં હિમાલયના પ્રદેશોમાં ભારે હિમ વર્ષા થવાના કારણે, હજુ પણ આગામી થોડા દિવસો સુધી અમદાવાદ સહિતના ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં ગાત્રો થીજવતી ઠંડીનો અનુભવ થશે. ઉત્તર પૂર્વ દિશાનો પવન ફૂંકાવવાને પગલે ગુજરાતમાં કાતિલ ઠંડીનું જોર યથાવત્ રહ્યું છે. તયારે, આગામી 21 જાન્યુઆરી સુધી અમદાવાદમાં સરેરાશ લઘુતમ તાપમાન વધીને 16 ડિગ્રી સુધી થઇ શકે છે. હવામાન વિભાગના મતે, ગુજરાતમાં 22 જાન્યુઆરી બાદ ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂ થઇ શકે છે. અમદાવાદમાં આગામી 22થી 25 જાન્યુઆરી દરમિયાન લઘુતમ તાપમાન 9 ડિગ્રીથી નીચે જવાની સંભાવના છે.
હવામાન વિભાગની આગાહી મુજબ દેશના ઉત્તર પૂર્વિય વિસ્તારોમાં સતત હિમ વર્ષાના કારણે જમ્મુ કાશ્મીરથી લઈને પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન સાથે ગુજરાતમાં પણ શીત લહેર ફરી વળશે. ગુજરાતમાં પણ તમામ વિસ્તારોમાં આગામી થોડા દિવસો કોલ્ડવેવની આશંકા છે. તો સૌરાષ્ટ્રના દરિયા કિનારે ભારે પવન ફૂંકાઈ શકે છે. કાતિલ ઠંડીના પ્રવાહો આગામી 24 જાન્યુઆરી સુધી યથાવત રહી શકે છે. આ દરમિયાન ઘણા વિસ્તારોમાં તાપમાન 10 ડિગ્રીથી વધુ ગગડવાની આશંકા છે.
બીજી તરફ અંબાલાલ પટેલના દાવા પ્રમાણે, રાજયમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે 18 જાન્યુઆરી, 19 જાન્યુઆરી અને 20 જાન્યુઆરીએ રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ પડશે. જેના કારણે રવિ પાકને વ્યાપક નુકસાન થવાની ભીતી છે. એટલું જ નહીં, અંબાલાલ પટેલના અનુમાન પ્રમાણે, ફેબ્રુઆરીમાં પણ માવઠાની શક્યતા રહેલી છે.