વિભુ પટેલ, અમદાવાદ: રાજ્યમાં ઉનાળાની સિઝનમાં ચોમાસુ ચાલુ હોય તેવો અહેસાસ થઇ રહ્યો છે. માર્ચ મહિનામાં 4 વખત માવઠું થયું હતું. હવે એપ્રિલ મહિનાની શરૂઆત પણ માવઠાથી થાય તેવી આગાહી સામે આવી છે. એપ્રિલ મહિનાની શરૂઆતમાં જ એટલે કે 4 અને 5 એપ્રિલે કમોસમી વરસાદ પડી શકે છે. 31 માર્ચે બાદ હવે નવા મહિનાની શરૂઆતે જ વધુ એક માવઠાની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી છે. હવામાન વિભાગનની આગાહી ખેડૂતો માટે વધુ એક ચિંતાજનક સમાચાર છે. આગાહી કરવામાં આવી છે કે, રાજ્યના અમુક ભાગમાં એપ્રિલના પહેલા જ સપ્તાહમાં માવઠું થશે.
એપ્રિલમાં મહત્તમ તાપમાન 37થી 39 ડિગ્રી અસપાસ તાપમાન પહોંચી જતું હોય છે. પરંતુ ચાલુ વર્ષે કમોસમી વરસાદના કારણે માર્ચ મહિનામાં પણ મહત્તમ તાપમાન સામાન્ય કરતા પણ નીચું રહ્યું છે. અત્યારે પણ મોટા ભાગના શહેરનું તાપમાન 33થી 35 ડિગ્રી વચ્ચે નોંધાયું છે. જે સામાન્ય તાપમાન કરતા પણ 4થી 5 ડિગ્રી નીચું તાપમાન છે. જોકે, આજે અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન 35 ડિગ્રી રહેવાની શક્યતા છે.