અમદાવાદ: ગુજરાતના હવામાનમાં વારંવાર પલટો આવી રહ્યો છે ક્યારેક માવઠું તો ક્યારેક કાળઝાળ ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. આ બધાની વચ્ચે હવામાન વિભાગે ફરી માવઠાની આગાહી કરી છે. વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા ગુજરાતમાં 4 અને 5 એપ્રિલે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. તો બીજી બાજુ અંબાલાલ પટેલે પણ એપ્રિલ મહિનામાં માવઠાની આગાહી કરી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે, 3થી 8 એપ્રિલ દરમિયાન હવામાનમાં પલટો આવવાની શક્યતા છે. આ પલટો લાંબા સમય સુધી પણ ચાલી શકે છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, 4 અને 5 એપ્રિલે કમોસમી વરસાદ પડી શકે છે. ખાસ કરીને 4 એપ્રિલના રોજ કચ્છમાં થન્ડર સ્ટ્રોમ એક્ટિવિટી સાથે વરસાદની શક્યતા છે. જ્યારે 5 એપ્રિલના રોજ બનાસકાંઠા અને સાબરકાંઠામાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આ માવઠાની સાથે આગામી ત્રણ દિવસ ગરમીનો પ્રકોપ પણ જોવા મળશે.
અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે, 3 એપ્રિલથી ઉનાળાની સાથે રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ પડવાની આગાહી કરી છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, તારીખ 3થી 8 અને 10 દરમિયાન ગુજરાતમાં વાદળો ફરી આવવાની શક્યતા છે. 14 તારીખ સુધીમાં પુનઃ આંધી, વંટોળ અને ગરમી સાથે કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ રહેશે. કરા પડવાની પણ શક્યતા છે.
તો બીજીબાજુ હવામાન વિભાગના આંકડા પ્રમાણે દેશની રાજધાની દિલ્હીમાં માર્ચ મહિનામાં સરેરાશ કરતા મહત્તમ તાપમાન 0.31 ડિગ્રી સેલ્સિયસ નીચું રહ્યું હતું. દિલ્હીમાં 34મી વખત માર્ચમાં આટલું ઓછું તાપમાન નોંધાયું છે, જ્યારે માર્ચના અંતિમ બે અઠવાડિયામાં તાપમાને 73 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. જે પાછલા 73 વર્ષના સૌથી ઠંડી અઠવાડિયામાં આવી ગયા છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 29 માર્ચ સુધી સરેરાશ મહત્તમ તાપમાન 30.5 ડિગ્રી રહ્યું હતું. આ રીતે વર્ષ 1951 પછી આ પહેલીવાર બન્યું છે કે માર્ચમાં આટલું નીચું તાપમાન નોંધાયું હોય.