અમદાવાદ: નાનકડા વિરામ બાદ ફરી ઠંડીનો જોર વધી રહ્યો છે. રાજ્યમાં ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂ થઇ ગયો છે. સૂસવાટા મારતાં પવન સાથે ફરી એક વખત ઠંડીનો ચમકારો અનુભવાઇ રહ્યો છે. રાજ્યના કેટલાક શહેરોમાં પારો 11 ડિગ્રીની નીચે નોંધાયો છે. જ્યારે હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 3-4 દિવસ લધુત્તમ તાપમાનમાં ફેરફાર થવાની શક્યતા લગભગ નહીવત મનાય છે. એટલે કે, આ દરમિયાન ઠંડીનો ચમકારો થયાવત જોવા મળી શકે છે.
હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં ફરી તાપમાનનો પારો નીચે ગયો હતો. લઘુત્તમ તાપમાનમાં 3 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. રવિવારે લઘુત્તમ તાપમાન માઈનસ -3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. વાહનોના વિન્ડશિલ્ડ અને ઘાસના મેદાનો સહિત અન્ય સ્થળો પર બરફ જામી ગયો છે. કડકડતી ઠંડીએ ફરી એકવાર તેનું ઉગ્ર સ્વરૂપ બતાવ્યું છે. બીજી બાજુ, હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં પ્રવાસીઓ ઠંડીની મજા માણી રહ્યા છે.