અમદાવાદ: રાજ્યમાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે, ત્યારે હવામાન વિભાગની આગાહી સામે આવી છે. રાજ્યમાં લોકો કડકડતી ઠંડીથી ઠુઠવાઇ રહ્યા છે. આવામાં હવામાન વિભાગની આગાહીને જોતાં લોકોને હાશકારો થશે. આગામી સમયમાં ઠંડીથી સામાન્ય રાહત મળશે. હવામાન વિભાગ અનુસાર, ઠંડીથી આંશિક રાહત મળી શકે છે. લઘુત્તમ તાપમાન 2થી 4 ડિગ્રી વધી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઘટતા ઠંડી ઘટશે.
આજે નલિયામાં 2.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે રાજ્યના 11 શહેરમાં તાપમાન 10 ડિગ્રીથી ઓછું રહ્યું હતું. જેમાં ડીસામાં 7.8 ડિગ્રી, નર્મદામાં 8 ડિગ્રી, પંચમહાલમાં 8.1, જામનગરમાં 8.2 ડિગ્રી, ભુજમાં 8.7 ડિગ્રી, પાટણમાં 8.1 ડિગ્રી, પોરબંદરમાં 8.6 ડિગ્રી, રાજકોટમાં 9.4 ડિગ્રી, ગાંધીનગરમાં 8.8 ડિગ્રી, અમદાવાદમાં 9.7 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
રાજ્યમાં વારંવાર પવનની દિશા બદલાય રહી છે તેના કારણે તાપમાનમાં પણ વધઘટ થઈ રહ્યું છે. જોકે, જાન્યુઆરી મહિનામાંમાં કોલ્ડવેવની ફ્રિકવન્સી વધી રહી છે. પરંતુ ચાલુ વર્ષ નલિયાના તાપમાને રેકોર્ડ તોડી દીધો છે. કડકડતી ઠંડીનો અહેસાસ નલિયાના લોકો કરી રહ્યા છે. આજે એક દિવસ માટે કચ્છમાં કોલ્ડ વેવની અસર રહેશે.
બીજીબાજુ, આજે માઉન્ટ આબુમાં ઠંડીમાં આંશિક રાહત મળી હતી. આબુમાં લઘુત્તમ તાપમાનમાં 4 ડિગ્રીનો વધારો નોંધાયો હતો. આજે માઉન્ટ આબુમાં માઈનસ 2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. સવારથી સુસવાટા મારતાં પવનોને લીધે ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. અહીં બે દિવસથી પારો માઈનસ 6 ડિગ્રી નોંધાયો હતો. સતત માઈનસમાં નોંધાતા તાપમાનથી જનજીવનને અસર પડી છે.