વિભુ પટેલ, અમદાવાદ: માર્ચમાં વારંવાર માવઠું થયું છે અને માવઠાના કારણે કૃષિ પાકને નુકસાન થયું છે. માવઠાના મારથી ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે. હવે ખેડૂતો માવઠું જાય તેની રાહ જોઈ રહ્યા છે, પરંતુ એપ્રિલમાં પણ માવઠાથી છૂટકારો મળે તેવું લાગતું નથી. કારણ કે, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું એપ્રિલ મહિનામાં વિશિષ્ટ વાતાવરણ રહેવાનું અનુમાન છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે વારંવાર વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. શિયાળામાં ગરમી પડી અને ઉનાળાની શરૂઆતથી વારંવાર માવઠું થઇ રહ્યું છે. હજુ એપ્રિલ મહિનામાં પણ વિશિષ્ટ વાતાવરણ રહેવાનું અનુમાન છે. ત્રીજી એપ્રિલથી ફરી વાદળછાયું વાતાવરણ જોવા મળશે. રાજ્યમાં 5થી 7 એપ્રિલ દરમિયાન આંધી વંટોળ સાથે માવઠાની સ્થિતિ જોવા મળશે.