અમદાવાદ: હાલ વોલ માર્ક લો પ્રેશર સિસ્ટમ અને વરસાદી ટર્ફ સક્રિય થતા આગામી ત્રણ દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ રહેવાનું અનુમાન છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જોકે, 17મી તારીખ બાદ રાજ્યમાં વરસાદનું જોર ઘટવાની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં ત્રણ દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે બે દિવસ ભારે વરસાદ રહેવાની શક્યતા છે. રાજ્યમાં આગાહી પ્રમાણે, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ રહેશે.
સૌરાષ્ટ્ર કચ્છમાં ભારે વરસાદ રહેવાની શક્યતા છે આ સાથે અનેક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ રહેશે હવામાન વિભાગની આગાહી પ્રમાણે, બીજા દિવસે સૌરાષ્ટ્રમાં કોઇ વોર્નિંગ નથી. પરંતુ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ રહેશે. આ ઉપરાંત જણાવ્યુ કે, અમદાવાદ અને ગાંધીનગરમાં બે દિવસ ભારે વરસાદ રહેવાની શક્યતા છે.
ગુજરાતની જિવાદોરી નર્મદા યોજનાના સરદાર સરોવર ડેમની જળસપાટી પૂર્ણ કક્ષાએ એટલે કે ૧૩૮.૬૮ મીટરે પહોંચી છે. આના પરિણામે જળાશયમાં ૪.૭૩ મિલીયન એકર ફૂટ એટલે કે પ.૭૬ લાખ કરોડ લીટર પાણીનો સંગ્રહ થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરદાર સરોવર ડેમ ૧૩૮.૬૮ મીટરની ઐતિહાસિક સપાટીએ પહોંચવાની ગૌરવ ઘટનામાં સહભાગી થઇ મા નર્મદાના નીરના વધામણા ગુરૂવારે સવારે એકતાનગર પહોંચીને કર્યા હતા. અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, સરદાર સરોવર નર્મદા ડેમ ર૦૧૯ અને ર૦ર૦ પછી આ વર્ષે ત્રીજીવાર પૂર્ણ જળાશય સપાટીએ છલકાયો છે. એકતાનગર ખાતે નમામી દેવી નર્મદેના મંત્રોચ્ચાર સાથે આયોજિત નર્મદા મહોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જોડાયા હતા અને મા નર્મદાના જળના તેમણે શ્રીફળ ચુંદડીથી વધામણાં કર્યા હતા. આ વર્ષે થયેલા વ્યાપક વરસાદને પરિણામે નર્મદા બેસિન અને ડેમમાં પાણીની સારી આવક થઈ છે.
વરસાદને પગલે ડાંગ જીલ્લામાં વરસાદી માહોલ વચ્ચે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. વઘઈ નજીક આવેલા ગીરાધોધના આહ્લાદક દ્રશ્યો સર્જાયા છે. નયનરમ્યો દ્રશ્યો અને મનમોહક કુદરતી વાતાવરણને લીધે પ્રવાસીઓની સંખ્યામાં પણ વધારો થયો છે. જન્મદીવસ ઉજવણી તેમજ રજાઓ માણવા માટે ડાંગ પ્રવાસીઓની પ્રથમ પસંદગી બની રહ્યું છે.
ભારે વરસાદને પગલે શેત્રુંજી ડેમ પણ ઓવરફ્લો થયો છે. શેત્રુંજી ડેમના 59 દરવાજા ખોલવામાં આવ્યા હતા. શેત્રુંજી નદી કાંઠાના ખાસ કરીને તળાજા વિસ્તારના શેત્રુંજી નદી આસપાસના ગામડાઓમાં વસતા લોકોને સાવચેત રાખવા વહીવટીતંત્ર સાબદુ થયું છે. શેત્રુંજી જળાશયમાં પાણીની સપાટી મહત્ત્મ થઇ જતા શેત્રુંજી નદી કાંઠા અને નીચાણવાળા વિસ્તારનાં ગામો ખાસ કરીને પાલિતાણા તાલુકાનાનાની રાજસ્થળી, લાપાળીયા, લાખાવડ, તથા તળાજા તાલુકાના માઇધાર, મેઢા, દાત્રડ, પીંગળી, ટીમાણા, રોયલ, માખણીયા, ગોરખી, તરસરા, લીલીવાવ, સરતાનપર વિસ્તારમાં હાઈ એલર્ટ જાહેરકરવામાં આવેલ છે. લોકોને શેત્રુંજી નદીના પટના વિસ્તારમાં ન જવા તથા અન્ય સલામત વિસ્તારમાં ખસી જવા ખાસ સુચના આપવામાં આવી છે.