આજથી પાંચ દિવસ માટે હવામાન વિભાગનું અનુમાન સામે આવ્યું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આજથી પાંચ દિવસ હવામાન સુકૂં રહેશે. ક્યાંક એક બે ડિગ્રી તાપમાનમાં વધારો થશે તો ક્યાંક થોડો ઘટાડો થઇ શકે છે. આ સાથે અમદાવાદનું મહત્તમ તાપમાન 32 ડિગ્રી પહોંચે તેવી પણ શક્યતા દર્શાવવામાં આવી છે. આ સાથે તેમણે જણાવ્યુ કે, રાજ્યમાં ઠંડી અને ગરમી બંનેનો અનુભવ થશે.
હવામાન વિભાગે, અમદાવાદ અને ગાંધીનગરનાં તાપમાનની પણ વાત કરતા જણાવ્યુ કે, અમદાવાદ અને ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન 14.8 ડિગ્રી જ્યારે મહત્તમ તાપમાન 31-32 ડિગ્રીની આસપાસ તાપમાન રહેવાની શક્યતા છે. અમદાવાદ માટે ન્યૂનતમ તાપમાન 16.2 અને મહત્તમ તાપમાન 31.5 ડિગ્રી રહેવાની શક્યતા છે. આ સાથે ગાંધીનગરનું ન્યૂનતમ તાપમાન 14.8 અને મહત્તમ તાપમાન 32.5 ડિગ્રી રહેવાની શક્યતા છે.
હવામાન વિભાગના આંકડાઆ પ્રમાણે, મંગળવારે અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 2.0 ડિગ્રી વધીને 31.8 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 3 ડિગ્રી વધીને 16.2 ડિગ્રીએ પહોંચ્યુ હતુ. જેને કારણે શહેરમાં વહેલી સવારથી 10.00 વાગ્યા સુધી ઠંડક રહ્યાં બાદ બપોરે 12થી 5 દરમિયાન ગરમીમાં વધારો થતો હોય તેમ અનુભવાઇ રહ્યુ છે.
રાજ્યમાં બેવડી ઋતુ દરમિયાન શહેરમાં આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત અર્બન અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં એક જ દિવસમાં શરદી અને ખાંસીના બે હજાર કેસ નોંધાયા છે. આ મહિનામાં અત્યારસુધીમાં કોલેરાનો એક કેસ નોંધાયો છે. પાણીના પોલ્યુશનની વધતી જતી ફરિયાદની સાથે મ્યુનિ.તંત્રે લીધેલા પાણીના સેમ્પલ પૈકી 29 સેમ્પલનો કલોરીન રિપોર્ટ નીલ આવ્યો છે. શહેરના સાત ઝોનના અડતાલીસ વોર્ડમાં મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત 80થી વધુ અર્બન હેલ્થ સેન્ટર ઉપરાંત કોમ્યુનિટી હેલ્થ સેન્ટર આવેલા છે. આ તમામ કેન્દ્રોમાં સોમવારે 8500 જેટલા દર્દીઓનુ નિદાન અને સારવાર કરવામા આવી હતી.