અમદાવાદ: રાજ્યમાં હાલ ડબલ ઋતુનો મારે ચાલી રહ્યો છે. બપોરે તાપમાન વધતા ગરમી અનુભવાઇ રહી છે જ્યારે સવારે અને સાંજથી તાપમાનમાં ઘટાડો અનુભવાઇ છે. રાજ્યમાં સરેરાશ તાપમાન 14 ડિગ્રી નોંધાયુ છે. રવિવારે અમદાવાદનું તાપમાન 13.1 ડિગ્રી નોંધાયુ હતુ. આ સાથે જ નલિયાનું તાપમાન 12 ડિગ્રી નોંધાયુ હતુ. રાજકોટ અને વડોદરામાં પણ તાપમાનનો પારો 14 ડિગ્રીએ પહોંચ્યો હતો. જ્યારે રવિવારે કચ્છનાં તો આજે દ્વારકાનાં વાતાવરણમાં પલટો આવ્યો છે.
આજે દ્વારકા જિલ્લાનાં વાતાવરણમાં પલટો આવ્યો છે. ખંભાળિયા તેમજ ભાણવડ પંથકનાં ઘણા વિસ્તારોમાં સવારે ગાઢ ધુમ્મસનો કહેર જોવા મળ્યો છે. ગાઢ ધુમ્મસને કારણે વિઝિબિલિટી શૂન્ય થઈ છે. હાઈવે પર ગાઢ ધુમ્મસને લીધે વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. દ્વારકામાં ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે પરંતુ જિલ્લામા ગાઢ ધુમ્મસે સફેદ ચાદર ઓઢી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે.
ધુમ્મસના પગલે કચ્છમાં પણ ઠંડી સાવ નહીંવત થઇ જવા પામી હતી. રવિવારે કચ્છમાં સવારે ભારે ઝાકળ વર્ષાનાં પગલે ભુજ તાલુકાના ગ્રામ્ય વિસ્તાર તેમજ લખપત તાલુકાના અનેક સ્થળોએ આહલાદક વાતાવરણ છવાયું હતું. હાઇવે તાથા શહેરોનાં રાજમાર્ગો ઉપર ધુમ્મસનાં પગલે વાહન ચાલકોને દુરના દ્રશ્યો નિહાળવામાં ભારે મુશ્કેલી પડી હતી. તેમજ ગાઢ ધુમ્મસની સાથોસાથ મોડી સવાર સુધી સુર્યદેવતાના દર્શન થયા ન હતા સવારે 9 વાગ્યા બાદ ધુમ્મસ વિખેરાયુ હતુ.
હવામાન વિભાગના વડા મનોરમા મોહંતીએ રાજ્યમાં ઠંડીની આગાહી કરતા જણાવ્યું હતુ કે, "ગુજરાતમાં ત્રણ દિવસ હવામાન સૂકું રહેવાની આગાહી છે. રાજ્યમાં વરસાદ થવાની સંભાવના નથી. લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં કંઈ મોટો ઘટાડો થવાની સંભાવના નથી. પરંતુ તાપમાન 2-3 ડિગ્રીનો વધારો થઈ શકે છે. હાલ જે સમય ચાલી રહ્યો છે તેમાં લઘુત્તમ તાપમાનમાં વધારો થશે, રાત્રી દરમિયાન પડતી ઠંડીમાં આગામી ત્રણ દિવસમાં ઘટાડો થતો જશે."
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી કરતા જણાવ્યુ હતુ કે, હવે ધીમે-ધીમે રાજ્યમાં ઠંડીના જોરમાં ઘટાડો થવાની આગાહી કરી છે. જેમાં તેમણે માર્ચ સુધીમાં મહત્તમ તાપમાનનો પારો 40 ડિગ્રીએ પહોંચી જવાની સંભાવના વ્યક્ત કરી છે. ફેબ્રુઆરીના બીજા સપ્તાહથી ગરમી જોર પકડશે અને મહત્તમ તાપમાન 36 ડિગ્રી આસપાસ પહોંચી જશે. આ પછી 19 થી 20 ફેબ્રુઆરીએ મહત્તમ તાપમાન વધતું જશે. અને ફેબ્રુઆરીના અંત સુધીમાં મહત્તમ તાપમાન 38 ડિગ્રી થઈ થવાની શકયતા રહેશે.