ગાંધીનગરઃ ગુજરાતમાં ઠંડીનું જોર વધી રહ્યું છે. ઉત્તરાયણનાં દિવસે ગુજરાતમાં ઠંડી જામી હતી. જયારે આજે પણ એટલે વાસી ઉત્તરાયણનાં દિવસે ઠંડી રહેવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, 15 જાન્યુઆરીના રોજ તાપમાન વધુ ઘટવાની શક્યતા છે. દેશની વાત કરીએ તો, 15થી 18 જાન્યુઆરી વચ્ચે જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ગાઢ ધુમ્મસની સ્થિતિ જોવા મળી શકે છે. 16થી 18 જાન્યુઆરી વચ્ચે મધ્યપ્રદેશના ઉત્તર ભાગમાં ગાઢ ધુમ્મસની આગાહી કરવામાં આવી છે.
શનિવારે માઉન્ટ આબુમાં તાપમાનનો પારો માઇનસ 4 ડિગ્રીએ પહોંચી ગયો હતો. ત્યારે એક જ દિવસમાં અહીં 7 ડિગ્રી પારો ગગડ્યો હતો. ત્યારે માઇનસમાં તાપમાન પહોંચતા જનજીવન ખોરવાઈ ગયું હતું. તડકો નીકળ્યા પછી સામાન્ય દિનચર્યા શરૂ થઈ હતી. ત્યારબાદ આખો દિવસ વાતાવરણ ઠંડુગાર રહેતા લોકો ઠૂંઠવાઈ ગયા હતા. ઉલ્લેખનીય છે કે, માઇન્ટ આબુમાં એક જ દિવસમાં તાપમાનનો પારો 7 ડિગ્રી ગગડ્યો હતો અને ન્યૂનતમ તાપમાનમાં ઘટાડો થયો હતો. ત્યારે મહત્તમ તાપમાન 16 ડિગ્રી નોંધાયું છે.
દેશનાં હવામાનની વાત કરીએ તો, આગાહી મુજબ પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ અને બિહારના કોટલાક ભાગોમાં પાંચ દિવસ સુધી સવારે અને રાત્રીના સમયે ગાઢથી પણ વધુ ગાઢ ધુમ્મસ પડી શકે છે. બિહારમાં પાંચ દિવસો સુધી કેટલાક ભાગોમાં આખા દિવસ દરમિયાન કાતીલ ઠંડીનો અહેસાસ થઈ શકે છે. તો 16થી 18 જાન્યુઆરી વચ્ચે ગાઢ ધુમ્મસ રહેશે. રાજસ્થાનના ઉત્તર ભાગમાં સવારે અને રાત્રીના સમયે ગાઢ ધુમ્મસ પડવાની સંભાવના છે. આ ઉપરાંત પશ્ચિમ બંગાળ, સિક્કીમ, ઓડિશા, અસમ, મેઘાલય અને ત્રિપુરામાં આગામી બે દિવસ ગાઢ ધુમ્મસથી લોકો પરેશાન થઈ શકે છે.