અમદાવાદ: રાજ્યમાં બે દિવસથી ઠંડા પવન અને ઠંડીમાંથી રાહત મળી છે. ત્યારે ગુજરાતીઓ પણ રાહતનો શ્વાસ લઇ રહ્યા છે. રાજ્યનાં મોટાભાગનાં વિસ્તારોમાં તાપમાનનો પારો ઉંચકાયો છે જેના કારણે ઠંડીનો અનુભવ ઓછો થઇ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજ્યમાં ચારથી પાંચ દિવસ તાપમાન ઘટવાની સંભાવના નહિવત છે. શનિવારે રાજ્યમાં 9.5 ડિગ્રી સાથે નલિયામાં સૌથી વધુ ઠંડી નોંધાઈ છે.
દેશના હવામાનની વાત કરીએ તો, છેલ્લા થોડા દિવસથી દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં અસામાન્ય ઠંડી પડી રહી છે. તેમાં ઠંડા પવનોએ વધારો કર્યો છે. ભારતીય હવામાન વિભાગનાં જણાવ્યા પ્રમાણે, ઠંડીનો આ રાઉન્ડ 11 જાન્યુઆરી સુધી ચાલુ રહેશે. દિલ્હી, પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં ગાઢ ધુમ્મસ છવાયેલું રહેશે. કાનપુર અને અયોધ્યા ઠંડાગાર બની રહેશે.