અમદાવાદ: ગુજરાતમાં રાજકારણનાં ગરમાવા વચ્ચે હવામાને કરવટ લીધી હોય તેમ લાગી રહ્યું છે. રાજ્યમાં ડિસેમ્બર શરૂ થતાંની સાથે ઠંડીમાં વધારો દેખાઇ રહ્યો છે. આ સાથે ખાનગી હવામાન વિશેષજ્ઞ દ્નારા બંગાળની ખાડીમાં લો પ્રેશરની સાથે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ કાર્યરત થઇ છે. જેના કારણે રાજ્યનાં કેટલક વિસ્તારોમાં 11થી 15 ડિસેમ્બર દરમિયાન માવઠાની આગાહી કરવામાં આવી છે. આપને જણાવીએ કે, ડાંગ જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો. ડાંગનાં છૂટાછવાયા વિસ્તારોમાં કમોસમી માવઠું થયું હતુ. જેના કારણે ઠંડીમાં પણ વધારો નોંધાયો હતો.
મીડિયા સાથેની વાતચીતમાં હવામાન વિશેષજ્ઞ અંકિત પટેલનાં જણાવ્યા પ્રમાણે, ડિસેમ્બરના બીજા અઠવાડિયામાં ઉપરાઉપરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા છે. આ ઉપરાંત હાલમાં બંગાળની ખાડીના પૂર્વ વિસ્તારમા લોપ્રેશર પણ સક્રિય થઈ રહ્યું છે. જેના અસપરૂપે રાજ્યમાં માવઠું થવાની શક્યતા રહેલી છે. બંગાળની ખાડીમાં સક્રિય થનારી આ સિસ્ટમ આગામી દિવસોમાં સૂસવાટાભેર પવનો પણ ફૂંકાઇ શકે છે.