અમદાવાદ: રાજ્યમાં હાલ ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું વાતાવરણ રહેશે તેની આગાહી કરી છે. હવામાન વિભાગનાં જણાવ્યા પ્રમાણે, ગુજરાતમાં હવામાન સુકૂં રહેશે. હાલ વરસાદની કોઇ આગાહી કરી નથી. જ્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી હતી કે, જાન્યુઆરીમાં વરસાદ વરસી શકે છે.
હવામાન વિભાગનાં ડાયરેક્ટર મનોરમા મોહન્તીએ આગાહી કરતા જણાવ્યું છે કે, રાજ્યમાં ઠંડીનો પ્રકોપ હજુ પણ યથાવત રહેશે. પારો દિવસ દરમિયાન એકાદ ડિગ્રી ગગડી શકે છે. બેથી ત્રણ દિવસ રાત્રે તાપમાનમાં વધઘટ જોવા મળી શકે છે. પવનની ગતિને કારણે ઠંડીનો અહેસાસ થશે. આ સાથે તેમણે જણાવ્યુ કે, હાલ વાતાવરણ સુંકુ રહેશે પરંતુ માવઠાની આગાહી નથી.
ગુજરાત સહિત સમગ્ર ભારતમાં કડકડતી ઠંડી સાથે પવનનો અનુભવ થઇ રહ્યો છે. ઉત્તર ભારતમાં હજુ પણ એક સપ્તાહ સુધી ઠંડીમાં રાહત મળે એવી શક્યતા નથી. શીતલહેરના કારણે પૂર્વોત્તર અને ઉત્તર ભારતના રાજ્યોમાં જનજીવન પ્રભાવિત થયું હતું. કેટલાય રાજ્યોમાં ગાઢ ધુમ્મસ છવાયો હતો, તો હિમાલયન રેન્જમાં બરફવર્ષા થઈ હતી.પાટનગર દિલ્હીમાં તાપમાનનો પારો પાંચ ડિગ્રી સુધી પહોંચી ગયો હતો. વહેલી સવારથી ઝાકળના કારણે રસ્તાઓમાં વાહન ચલાવવાનું કપરું બન્યું હતું.