હવામાન વિભાગના ડાયરેકટર મનોરમા મોહંતીએ જણાવ્યું છે કે, ગુજરાતમાં આગામી 5 દિવસ વાતાવરણ અને તાપમાન યથાવત રહેશે. આજે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, અમરેલી, રાજકોટમાં 41થી 61 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. સાથે જ ગાજવીજ અને સામાન્યથી મધ્યમ વરસાદ થશે અને કરા પડવાની પણ શક્યતા છે. ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ, જૂનાગઢ, મોરબી, સુરેન્દ્રનગર, કચ્છમાં સામાન્ય વરસાદની શક્યતા છે.
ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. સાંજે 7 વાગ્યા સુધી 20 જિલ્લામાં વરસાદની આગાહી છે. મહેસાણા,સાબરકાંઠા, અરવલ્લી, અમદાવાદ, દાહોદ, મહિસાગર, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, વલસાડ, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીરસોમનાથ, કચ્છ, બોટાદમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે જ 40 કિમીની ઝડપે પવન ફુંકાઈ શકે છે અને સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે.
અમદાવાદ શહેરમાં પણ ગાઢ ધુમ્મસ જોવા મળ્યું હતું. વિજીબિલીટી ઘટવાના કારણે વાહનચાલકો પરેશાન થયા હતા અને ધુમ્મસના કારણે કૃષિ પાકને પણ નુકસાન થઇ રહ્યું છે. લોકો માવઠાથી છૂટકારો મળે તેની રાહ જોઈએ રહ્યા છે. પરંતુ એક પછી એક સિસ્ટમ સક્રિય થઇ રહી છે. જેના કારણે કમોસમી વરસાદ થાય છે. સામાન્ય રીતે ગુજરાતમાં કરા પડતા નથી, પરંતુ ક્લાઈમેન્ટ ચેન્જની અસર જોવા મળી રહી છે. ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ તો પડી રહ્યો છે, પરંતુ ચાલુ વર્ષે તો કરા પણ પડ્યાં છે.