અમદાવાદ: ગુજરાતીઓને (Gujarat weather forecast) ફરીથી કાળઝાળ ગરમીનો અનુભવ થવાનો છે. હવામાન વિભાગે પહેલા જણાવ્યું હતુ કે, 25મી મેના રોજ દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ પડશે. પરંતુ હવામાન વિભાગે વરસાદની આગાહી પરત ખેંચી છે. રાજ્યમાં 48 કલાકમાં ગરમીનું મોજું ફરી વળવાની સંભાવના છે. આગાહી પ્રમાણે, 2થી 3 ડિગ્રી તાપમાન વધશે. ઉનાળો જાય તેવું ઇચ્છી રહ્યા લોકો માટે માઠા સમાચાર છે. તો બીજી બાજુ સુરત અને વલસાડના અનેક વિસ્તારોમાં પ્રી મોન્સુન એક્ટિવિટી શરૂ થઇ ગઇ છે.
હવામાન વિભાગે કહ્યું છે કે, પવનની દિશા બદલાતા આગામી 48 કલાકમાં તાપમાનમાં વધારો થશે. રાજ્યમાં 2થી 3 ડિગ્રી તાપમાનમાં વધારો થઈ શકે છે. આ ઉપરાંત 25મીએ દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી હવામાન વિભાગે પરત ખેંચી છે. હજી કાળઝાળ ગરમીનો સામનો કરવો પડશે. ત્યારે બીજી બાજુ રવિવારની રાતે સુરત અને વલસાડના અનેક વિસ્તારોમાં હળવો વરસાદ વરસ્યો હતો. જેથી લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
રવિવારે ગિરિમથક સાપુતારામાં સવારથી વાદળછાયું વાતાવરણ જોવાં મળ્યું હતું. વાતાવરણ આહલાદક બનતા ફરવા આવેલા પ્રવાસીઓમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો તો બીજી તરફ તળેટી વિસ્તારના ખેડૂતો પોતાના પાકને લઈને ચિંતામાં મુકાયા છે. અંબાજીમાં ઠંડા પવન ફૂંકાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. આ તરફ સાબરકાંઠામાં પણ વહેલી સવારથી જ ઠંડા પવન સાથે ધુળની ડમરીઓ ઉડી હતી. આ સાથે ભારે પવન ફુંકાતા અમદાવાદની હવાનુ પ્રદૂષણ પણ ઘટ્યું હતુ. અમદાવાદમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ 176 થયો હતો.
પહેલા હવામાન વિભાગે ગરમીમાં ઘટાડા સાથે પ્રિમોન્સુન એક્ટિવિટી થવાની આગાહી કરવામાં આવી હતી. પહેલા કરાયેલી આગાહી પ્રમાણે, 'ગુજરાતમાં આગામી દિવસોમાં મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થશે. જેના કારણે, ગરમીમાં આંશિક રાહત અનુભવાશે. ત્રણ દિવસ બાદ એટલે કે, 25મેના રોજ નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં સામાન્ય વરસાદ પડે તેવી સંભાવના છે. આ સાથે શહેરોમાં પણ તાપમાનમાં ઘટાડો નોંધાશે અને કાળઝાળ ગરમીમાં રાહત મળશે. અમદાવાદમાં શનિવારે 42.1 ડિગ્રી સરેરાશ મહત્તમ તાપમાન નોંધાયું હતું. 27 મે સુધી અમદાવાદમાં 42 ડિગ્રીની આસપાસ જ તાપમાન નોંધાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી.'
પ્રીમોન્સૂન એક્ટિવિટી એટલે ભારતીય દ્વીપકલ્પમાં, ચોમાસા પહેલાનો વરસાદ ઉત્તરીય ભાગોમાં પહેલા આવે છે અને વહેલો વિદાય લે છે. ઉત્તર ભારતમાં જૂન મહિનાને ચોમાસા પહેલાની ઋતુ કહેવામાં આવે છે. કેરળ અને ઉત્તરપૂર્વ ભારતમાં ચોમાસું 1 જૂને આવે છે, પરંતુ ચોમાસું ઝડપથી મહિનાના અંત સુધીમાં ઉત્તર ભારતમાં પહોંચે છે. પરંતુ ચોમાસા અને ચોમાસા પહેલાના વરસાદની લાક્ષણિકતાઓમાં થોડો તફાવત છે.
પ્રીમોન્સૂન વરસાદ ગરમી અને ભેજની સ્થિતિ દ્વારા વર્ગીકૃત થયેલ છે. આ અસ્વસ્થ સ્થિતિ આખો દિવસ અને રાત રહે છે. પરંતુ જોરદાર પવન ગરમીથી થોડી રાહત આપે છે. પરંતુ ચોમાસામાં પવન અને લાંબા વરસાદના કારણે તાપમાનમાં ઘટાડો જોવા મળે છે. આ સિવાય વાદળો અને તેમના પ્રવાહમાં પણ મોટો તફાવત છે. ચોમાસા પહેલાના વાદળો ઉપર તરફ જાય છે અને સામાન્ય રીતે સાંજે વરસાદ પડે છે.