અમદાવાદ: રાજ્યમાં કડકડતી ઠંડી બાદ લોકો હાશકારો (Gujarat Weather Forecast) અનુભવી રહ્યા છે. અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરોમાં ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે. આગામી દિવસોમાં ઠંડીનું પ્રમાણ ઘટવાનું અનુમાન છે. રાજ્યમાં તાપમાન ઉંચકાતા ઠંડી ઘટી છે. મોટાભાગના શહોરોમાં લધુત્તમ તાપમાન 13 ડિગ્રી, જ્યારે મહત્તમ તાપમાન 30 ડિગ્રીને પાર પહોંચ્યું છે.
નલિયા અને કંડલાને બાદ કરતાં શહેરોનું લધુત્તમ તાપમાન 13 ડિગ્રીને પાર પહોંચ્યો છે. શુક્રવારે નલિયામાં 6.9 ડિગ્રી, અમદાવાદમાં 14.2 ડિગ્રી, ગાંધીનગરમાં 13.2, વલસાડમાં 35 ડિગ્રી, સુરતમાં 33.4 ડિગ્રી, ભુજમાં 33.6, મહુવામાં 33.4, રાજકોટમાં 33.2 સુરેન્દ્રનગરમાં 33 ડિગ્રી નોંધાયું છે. આમ, રાજ્યના છ શહેરોનું મહત્તમ તાપમાન 33 ડિગ્રીને પાર પહોંચી ગયું છે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 30.7 નોંધાયું હતું.
હવામાન વિભાગના વડા મનોરમા મોહંતીએ રાજ્યમાં ઠંડીની આગાહી કરતા જણાવ્યું છે કે, "ગુજરાતમાં આગામી પાંચ દિવસ હવામાન સૂકું રહેવાની આગાહી છે. રાજ્યમાં વરસાદ થવાની સંભાવના નથી. લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં કંઈ મોટો ઘટાડો થવાની સંભાવના નથી. પરંતુ તાપમાન 2-3 ડિગ્રીનો વધારો થઈ શકે છે. હાલ જે સમય ચાલી રહ્યો છે તેમાં લઘુત્તમ તાપમાનમાં વધારો થશે, રાત્રી દરમિયાન પડતી ઠંડીમાં આગામી પાંચ દિવસમાં ઘટાડો થતો જશે."