અમદાવાદ: રાજ્યમાં મોસમ જાણે મજાક કરી રહ્યું હોય તેમ માર્ચ મહિનામાં સૂસવાટાભેર પવન, વરસાદ સાથે કરા પડી રહ્યાં છે. ત્યારે ગુજરાતીઓ પણ વિચારી રહ્યાં છે કે, આ કઇ ઋતુ ચાલી રહી છે. તો બીજી બાજુ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, રાજ્યમાં હજી ત્રણ દિવસ માવઠાની સ્થિતિ રહેશે. આ સાથે ભારે પવન અને ગાજવીજ સાથે અનેક વિસ્તારોમાં વરસાદ વરસશે.
આ સાથે જો 22 માર્ચની વાત કરીએ તો, આવતી કાલે બનાસકાંઠા, સાબરકાંઠા, જામનગર,પરોબંદર, જુનાગઢ, અમરેલી, ભાનવગર, દ્વારકા, ગીર સોમનાથ, કચ્છમાં 40 કિલોમીટરની ઝડપે પવન ફુકાશે અને ગાજવીજ સાથે સામાન્ય વરસાદ થશે. આ ઉપરાંત 23 માર્ચના રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, જામનગર,પરોબંદર, જુનાગઢ, અમરેલી, ભાનવગર, દ્વારકા, ગીર સોમનાથ, કચ્છમાં 40 કિલોમીટરની ઝડપે પવન ફુકાશે અને ગાજવીજ સાથે સામાન્ય વરસાદ થઇ શકે છે.
રાજસ્થાન ઉપર વેસ્ટર્ન સિસ્ટમ સક્રિય હોવાને કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં પણ સાંજના સમયે વરસાદ રહેશે. હવામાન વિભાગ દ્વારા કચ્છ, રાજકોટ, ભાવનગર, અમરેલી, બોટાદ, સાબરકાંઠા, બનાસકાંઠા, અમરેલી જેવા વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત, ડાંગ, તાપી, સુરત, નર્મદા, ભરૂચમાં પણ વરસાદની આગાહી છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ પોતાની આગાહીમાં જણાવ્યુ છે કે, માવઠાના મારથી છુટકારો મળે તો સારું છે પરંતુ વારંવાર સિસ્ટમ બની રહી છે. જેના કારણે માવઠું થઈ રહ્યું છે. હજી પણ 22 માર્ચ સુધી માવઠું યથાવત રહેશે. 20 માર્ચથી માવઠામાંથી મોટા ભાગના વિસ્તારને છૂટકારો મળશે અને ત્યાર બાદ ગરમીનું પ્રમાણ વધશે.
કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા નુકસાનને લઈને સરકાર સર્વે કરશે. સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, મુખ્યમંત્રી દ્વારા તપાસના આદેશ અપાયા છે. તેમણે કહ્યું કે, હાલ માવઠું હજુ ચાલી છે હજુ પણ આગાહી છે. એટલે માવઠું પૂર્ણ થયા બાદ ખેતીવાડી વિભાગ દ્વારા સર્વે હાથ ધરાશે અને નિયમ પ્રમાણે નુકસાની પેટે વળતર ચૂકવવા સરકાર વિચારશે.
નોંધનીય છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં થયેલા કમોસમી વરસાદને પગલે સર્જાયેલી સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા જિલ્લા કલેક્ટરો સાથે ગાંઘીનગરથી વિડિયો કોન્ફરન્સ કરી હતી. ખાસ કરીને અમરેલી, જુનાગઢ તેમ જ સૌરાષ્ટ્ર–કચ્છ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં થયેલા આ કમોસમી વરસાદથી રવિપાકોની ગુણવત્તાના નુકસાન સહિતના અન્ય નુકસાન તેમજ ઉનાળુ પાકો અને ફળાઉ પાકોના નુકસાનની પ્રાથમિક વિગતો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મેળવી હતી. તેમણે સંબંધિત જિલ્લા કલેક્ટરોને તેમના જિલ્લાઓમાં થયેલા ખેતીવાડી નુકસાનનો પ્રાથમિક સર્વે કરાવી લેવા પણ દિશાનિર્દેશો આપ્યા હતા. આ સંદર્ભમાં જિલ્લા કલેક્ટરશ્રીઓએ પોતાના જિલ્લામાં પાક નુકસાન સહિતના નુકસાનીના સર્વે માટે ટીમ્સ કાર્યરત કરી દેવામાં આવી છે તેની વિસ્તૃત વિગતો આપી હતી.