અમદાવાદ: રાજ્યમાં આજે આકરી ગરમી પડવાની આગાહી કરવામાં આવી છે. આ સાથે આવતીકાલથી માવઠા સાથે તાપ પણ પડવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ પંથકમાં બુધવારથી ગાજવીજ સાથે કમોસમી વરસાદ શરૂ થવાની આગાહી કરવામાં આવી છે. ગુરૂવારના રોજ અમદાવાદ અને ગાંધીનગરમાં તેમજ શુક્રવારે દક્ષિણ ગુજરાતના સુરત અને ભરૂચમાં પણ માવઠું થવાની આગાહી કરવામાં આવી છે. જ્યારે આજે અને આવતીકાલે એટલે મંગળવાર અને બુધવારે અંગ દઝાડતી ગરમી પડશે.
માવઠાને કારણે આ વખતે કેરીમાં કેસર કેરીના પાક પર અસર થઇ છે. જેથી માર્કેટમાં કેસર કેરી તો નથી જોવા મળી રહી પણ કેરી રસિયાઓ હાફુસ કેરી જરુરથી ખરીદી રહ્યા છે.સામાન્ય રીતે કેરીના શોખીનો ઉનાળાની રાહ જોતા હોય છે આ વખતે કોમસમી વરસાદને કારણે કેસર કેરીના ઉત્પાદન પર અસર તો પડી જ છે. પણ તેની સાથે કેસર કેરી જે સમયગાળામાં પાકીને માર્કેટમાં આવી જાય છે તે પણ માર્કેટમાં જોવા નથી મળી રહી. તો લોકો કેસર કેરીની જગ્યાએ હાફુસ કેરીની ખરીદી કરી રહ્યા છે.
દેશના હવામાનની વાત કરીએ તો, આંતરરાષ્ટ્રીય મૌસમ કચેરીએ જણાવ્યું હતું કે, ભારતમાં 1901 પછી 2023નો ફેબ્રુઆરી મહિનો સૌથી ગરમ મહિનો રહ્યો છે. આ અત્યંત ચિંતાનો વિષય છે. તેથી શંકા છે કે ગયા વર્ષની ગરમીનીવિક્રમજનક લહેરનું પુનરાવર્તન આ વર્ષે પણ દેખવામાં આવશે. ગયા વર્ષે ગરમીના લીધે પાકને ખાસ્સુ નુકસાન ગયું હતું.
આ સાથે તેમણે એમ પણ જણાવ્યુ કે, ગયા વર્ષે લગભગ 50 ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન પહોંચી ગયું હતું. આ તાપમાન કોઈપણ સ્થિતિમાં અસહ્યનીય હોય છે. અહેવાલ મુજબ ભારતમાં આ ગરમી સતત વધતી જનસંખ્યાના લીધે વધુ અસહ્યનીય થઈ રહી છે. યુનિવર્સિટી ઓફ રીડિંગના એક ક્લાઇમેટ ચેન્જ વૈજ્ઞાાનિક કીરન હંટે જણાવ્યું હતું કે, ભારત સામાન્ય રીતે સહારા જેવા ગરમ સ્થળોની તુલનાએ ભેજવાળુ છે. તેનો અર્થ એમ થાય છે કે પરસેવાના લીધે ગરમીથી બચવાની શક્યતા ઘણી ઓછી રહે છે.