અમદાવાદ: શહેરમાં (Ahmedabad) સતત બીજા દિવસે ગરમીમાં (Gujarat heatwave) વધારો નોંધાયો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, બે દિવસ, 20થી 22મે સુધી શહેરમાં હિટવેવની શક્યતાઓ છે. આજે અમદાવાદ અને ગાંધીનગરમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવી છે. ત્યારે ગરમીનો પારો 46 ડિગ્રી સુધી પહોંચી શકે તેવી શક્યતાઓ છે. ગુરૂવારે અમદાવાદ 43.5 ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં બે ડિગ્રીનો વધારો નોંધાયો હતો.
કાળઝાળ ગરમીથી તોબા પોકારી ગયેલા ગુજરાતીઓ હવે વરસાદની રાહ જોઇને બેઠા છે. ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીનું માનવું છે કે, ચોમાસું 27 મેના કેરળમાં આગમન થવા માટે પરિબળો અનુરૂપ છે. જોકે, હવામાન વિભાગ દ્વારા પણ પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે કે, 27 મેના કેરળમાં ચોમાસુ બેસી જશે અથવા તો 4 દિવસ આગળ પાછળ થઈ શકે છે. પરંતુ અંદમાનમાં ચોમાસુ બેસી ગયા બાદ ચોમાસાને આગળ વધવાના પરિબળો સાનુકૂળ છે.
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ન્યુઝ 18 ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે, 2022નું ચોમાસું 16ના અંદમાનમાં આગમન થઈ ગયું છે. કેરળમાં ચોમાસું બેસવાની સામાન્ય તારીખ 1 જૂન છે. પરંતુ ચાલુ વર્ષે 5 દિવસ વહેલું ચોમાસું બેસવાની અનુમાન છે. કેરળમાં ચોમાસુ વહેલું બેસી જાય એટલે ગુજરાતમાં પણ પહેલું બેસી જાય તેવું હોતું નથી. કેરળમાં 27મીના ચોમાસું બેસી જવાના પરિબળો અનુરૂપ છે. કેરળમાં ચોમાસું બેસી ગયા બાદ આગળ વધતું હોય છે. મહારાષ્ટ્ર અને ગોવાના પહોંચ્યા બાદ હવામાન અનુકુળ ન હોય તો સ્થિર થઈ જાય છે એટલે કે, ગુજરાતમાં એન્ટ્રી મોડી થતી હોય છે.