વિભુ પટેલ, અમદાવાદ: ચોમાસાને લઈ રાહ જોવાઇ રહી છે. આ વર્ષે ચોમાસું કેવું રહેશે, કેટલા ટકા થશે? તેનું પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે. પરંતુ ખેડૂતો વાવણી ક્યારે કરવી જોઈએ? તેની રાહ જોઈએ રહ્યા છે. કારણ કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો વરસાદ પણ થઇ રહ્યો છે. પ્રી-મોનસુન એક્ટિવિટીના લીધે પણ વરસાદ થશે. સાથે જ અરબી સમુદ્રમાં સિસ્ટમ બનવાવની છે તેનો પણ વરસાદ થશે. એટલે ખેડૂતોએ વાવણી ક્યારે કરવી જોઈએ, તેની માહિતી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આપી છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું છે કે, ગુજરાતમાં ચોમાસું મધ્યમ અથવા સામાન્ય રહેશે. હાલ તો અંદમાન નિકોબારમાં 19 મેના રોજ ચોમાસું બેસી ગયું છે અને મંદ પડી ગયું છે. પરંતુ આગામી 2 દિવસમાં સક્રિય થશે અને આગળ વધશે. તેમજ ચોમાસાનો વરસાદ આવે તે પહેલા પણ ગુજરાતમાં વરસાદ થશે. 29 મે સુધીમાં ગુજરાતમાં કેટલાક ભાગમાં વરસાદની શક્યતા છે. તેમજ જૂનની શરુઆતમાં અરબી સમુદ્રમાં હલચલ શરુ થશે અને 10 જૂન સુધીમાં ચક્રવાત બનવાની શક્યતા છે. 8 જૂન સુધીમાં દરિયામાં ભારે મોજા ઉછળશે.
અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે, રોહિણી નક્ષત્રમાં ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તાર એટલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વાવણીલાયક વરસાદ થવાની શક્યતા રહેશે. સારું ચોમાસું 15 જૂનથી સક્રિય થવાની શક્યતા છે. 22થી 24 જૂનમાં ગુજરાતમાં સારું ચોમાસું આવી શકે છે. એટલે કે, રોહિણી નક્ષત્ર અને જૂનની શરુઆતમાં કેટલાક ભાગોમાં વાવણી કરાવી શકે છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, રોહિણી નક્ષત્ર 25 મેથી 7 જૂન સુધી રહેશે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં વાવણીલાયક વરસાદ થવાની શક્યતા છે. જો 25 મેથી 7 જૂન વચ્ચે વરસાદ થાય તો વાવણી કરી શકાશે. પરંતુ જે ખેડૂત પાસે સિંચાઈ માટેનું પાણી છે, તેમણે વાવણી કરવી જોઈએ. કારણે 7 જૂન સુધી થયેવા વરસાદ બાદ ચોમાસાનો વરસાદ 22 જૂન આસપાસ આવવાની શક્યતા છે. એટલે વચ્ચે પીયત કરવું પડે. 10 જૂનથી 22 જૂનમાં વરસાદ ન આવે તો પણ પાકને પીયત કરવા માટે પાણીની વ્યવસ્થા હોય તો જ વાવણી કરવી જોઇએ.
બીજી બાજુ, ભારતીય હવામાન વિભાગે ચોમાસાને લઈ પૂર્વાનુમાન જાહેર કર્યું હતું. જે અનુસાર, મધ્ય ભારતમાં પણ ચોમાસું સામાન્ય રહેવાનું અનુમાન છે. મધ્ય ભારતમાં ગુજરાત, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ઓડીસા, મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે. ગુજરાતમાં ચોમાસું સામાન્ય અથવા સામાન્યથી ઓછું રહેવાની સંભાવના છે. ચોમાસું નબળું રહેવાના અનુમાનથી ખેડૂતોની ચિંતા વધી છે. પરંતુ ચોમાસા વરસાદ કેટલા ટકા થશે તેના કરતાં ચોમાસું નિયમિત રહે તે જરૂરી છે. ઓછા વરસાદમાં પણ કૃષિ પાકને જરૂર છે તેવા સમયે વરસાદ થશે તો નબળા ચોમાસામાં પણ કૃષિ પાક સારો થાય છે.
આ ઉપરાંત ગઇકાલથી રાજ્યના વાતાવરણમાં અચાનક પલટો આવી જતા કાળઝાળ ગરમીમાંથી છૂટકારો મળ્યો છે. અનેક વિસ્તારોમાં ભેજ અને ઠંડકનો અનુભવ થઇ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આજે પણ અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગાહી કરતા એમ પણ જણાવ્યું છે કે, રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી હવામાન સૂકું રહેવાની શક્યતાઓ છે. પરંતુ લોકલ કન્વેક્ટિવિટી એક્ટિવિટીની સંભાવના નથી, જો શક્યતાઓ દેખાશે તો તે અંગેની માહિતી આપવામાં આવશે. જોકે, આગામી દિવસોમાં વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે.