અમદાવાદ: હવામાન વિભાગે (Meteorological Department) પ્રિ-મોન્સૂન એક્ટિવિટી (Pre-Monsoon activity) દરમિયાન વરસાદની આગાહી પરત ખેંચી છે. પહેલા હવામાન વિભાગે આગાહી કરી હતી કે 25મી મેના રોજ દક્ષિણ ગુજરાત (South Gujarat)માં વરસાદ પડી શકે છે. આ સમાચાર વચ્ચે રાજ્યના અને જિલ્લાના વાતવરણાં પલટો આવ્યો છે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, વાપી (વલસાડ), પાટણ, જેતપુર (રાજકોટ)નો સમાવેશ થાય છે. આ જિલ્લાઓમાં સવારથી જ આકાશમાં કાળા ડિબાંગ વાદળો જોવા મળી રહ્યા છે. તો વલસાડમાં વરસાદી છાંટા પડ્યા છે.
બનાસકાંઠા: જિલ્લામાં સતત બીજા દિવસે વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. જિલ્લાના સરહદીય વિસ્તાર વાવ, થરાબ, સુઈગામ, ભાભર, ધાનેરા સહિતના વિસ્તારોમાં વાદળછાયું વાતવરણ સર્જાયું છે. આ વિસ્તારોમાં સવારથી જ આકાશમાં કાળા ડિબાંગ વાદળો જોવા મળી રહ્યા છે. વાતાવરણમાં પલટાથી ધરતીપુત્રોની ચિંતા વધી છે. વાતાવરણમાં પલટાથી બાજરી, એરંડા, જુવાર સહિતના પાકોને નુકસાનની ભીતિ છે.
પાટણ: પાટણ જિલ્લામાં વહેલી સવારથી વાતવરણમાં પલટો જોવા મળ્યો છે. સતત ત્રીજા દિવસે જિલ્લાના વાતવરણમાં પલટો જોવા મળ્યો છે. જિલ્લામાં સવારથી જ ભારે પવન સાથે ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે. પાટણ જિલ્લાનું આકાશ કાળા ડિબાંગ વાદળોથી ભરાઈ ગયું છે. ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડતા રાહદારીઓને હાલાકી પડી રહી છે. બીજી તરફ ઠંડા પવનો ફૂંકાતા ગરમીથી રાહત મળી છે.