અમદાવાદ: છેલ્લા બે દિવસથી રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. પંચમહાલ સહિતના વિસ્તારોમાં માવઠું થયું છે, ત્યારે હવામાન વિભાગની આગાહી સામે આવી છે. આગાહી અનુસાર, 2 દિવસ રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠુ થઈ શકે છે. દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં માવઠું થઈ શકે છે. અરબી સમુદ્રમાં વેલમાર્ક લો પ્રેશર સક્રિય છે, જેના લીધે રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. પૂર્વ મધ્ય, દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય છે. જેના પગલે રાજ્યમાં આગામી બે દિવસ વરસાદી માહોલ રહેશે.
અરબી સમુદ્રમાં વેલમાર્ક લો પ્રેશર સક્રિય હોવાને પગલે રાજ્યના સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢમાં કમોસમી વરસાદ પડી શકે છે. અરવલ્લી, મહીસાગરમાં પણ હળવો વરસાદ થઈ શકે છે. સૌરાષ્ટ્રમાં ફક્ત એક દિવસ માટે માવઠાની આગાહી છે. અન્ય જગ્યાએ બે દિવસ સુધી માવઠાની આગાહી છે. હવામાન વિભાગની સિસ્ટમ મોનિટરીંગ કરી રહી છે.
ગુજરાતના મોટાભાગનાં વિસ્તારો વાતાવરણમાં પલટો આવ્યો છે. અમદાવાદમાં પણ બપોરે અનેક વિસ્તારોમાં ધીમી ધારે કમોસમી વરસાદ વરસ્યો હતો. શહેરનાં અનેક વિસ્તારોમાં વરસાદી છાંટા પડ્યા પડ્યા છે. શહેરનાં SG હાઈવે, પ્રહલાદનગરમાં વરસાદી છાંટા પડ્યા છે. આ ઉપરાંત રાજ્યનાં અન્ય કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે. પંચમહાલ, હિંમતનગર, ડાકોરમાં પણ વરસાદ વરસ્યો છે.