અમદાવાદ: ગુજરાત સાયન્સ સિટી હવે ડિજિટલ ઈન્ડિયાના ભાગરૂપે ફ્રી વાઈફાઈ કેમ્પસ બન્યું છે. મુલાકાતીઓ તેમના નામ, ફોન નંબર અથવા ઈમેલ આઈડી વડે લોગઈન કરીને કેમ્પસમાં ફ્રી વાઈ-ફાઈ મેળવી શકશે. ગુજરાત સાયન્સ સિટીના વિવિધ આકર્ષણો બાળકોથી લઈને વડીલો સુધીના તમામ ઉમરના મુલાકાતીઓને આકર્ષે છે. સાથો સાથ ગુજરાત સાયન્સ સિટી દ્વારા મુલાકાતીઓ માટેની સુવિધાઓમાં સતત વધારા સાથે સમાજમાં વૈજ્ઞાનિક અભિગમ વિકસાવી એક મજબૂત રાષ્ટ્રના નિર્માણ માટે સતત કામ કરી રહ્યું છે.
સમાજ અને યુવા વિદ્યાર્થીઓને વિજ્ઞાન સાથે જોડવા સમયાંતરે વિવિધ હેન્ડ-ઓન પ્રવૃત્તિઓ અને માઇન્ડ-ઓન એક્સપોઝર દ્વારા નવીન પ્રાયોગિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવામાં આવે છે. સાયન્સ સિટી આગામી પેઢીને ટેકનિકલી પારંગત બનાવવા માટે વૈજ્ઞાનિક અભિગમ વિકસાવવાનો પ્રયત્ન કરે છે, જે "ડિજિટલ ઈન્ડિયા"ના વિઝનને જીવનમાં લાવવામાં મદદ કરે છે.
માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 16 જુલાઇ 2021ના રોજ સાયન્સ સિટી 2.0ની વૈશ્વિક કક્ષાના નવા પ્રકલ્પો- રોબોટિક્સ ગેલેરી, એકવેટિક ગેલેરી અને નેચર પાર્કના ઉદ્ઘાટન સાથે રજૂઆત કરવામાં આવી હતી. 107 હેકટરના વિશાળ હરિયાળા કેમ્પસમાં ફેલાયેલ સાયન્સ સિટી કેમ્પસના વિવિધ પ્રકલ્પો અને આકર્ષણો તમામ ઉમરના લોકોને આકર્ષે છે, એટલું જ નહીં પણ તેને રાજય અને રાષ્ટ્રના એક મહત્વપૂર્ણ વિજ્ઞાન પ્રવાસન સ્થળ તરીકે સ્થાપિત કરે છે.
ડિજિટલ સાક્ષરતાને પ્રોત્સાહન આપવા, સાયન્સ સિટીએ ઓનલાઈન બુકિંગ અને ટિકિટિંગ સિસ્ટમ વિકસાવી છે. મુલાકાતીઓ વેબસાઇટ અથવા મોબાઈલ એપ પર અગાઉથી તેમની ટિકિટ સરળતાથી બુક કરાવી રહ્યા છે. સાયન્સ સિટીના પ્રવેશ દ્વાર પરના ટિકિટ કાઉન્ટર પર PoS મશીનો દ્વારા ટિકિટ આપવામાં આવે છે, જેથી સમગ્ર કેમ્પસ કેશલેસ વ્યવહારો પર કામ કરે છે.