અમદાવાદ: ગુજરાતમાં (Gujarat Monsoon) મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ (Gujarat rainfall) વરસ્યો છે. રવિવારે રાજ્યના કુલ 138 તાલુકામાં વરસાદી માહોલ છવાયો છે. ત્યારે સૌથી વધુ વરસાદ 2.92 ઇંચ નોંધાયો છે. આ સાથે સુરતના (Surat rain) ઉમરપાડામાં 2.6 ઇંચ, જાંબુધોડામાં બે ઇંચ, તાપીના સોનગઢમાં 1.72 ઇંચ, ચીકલીમાં 1.64 ઇંચ, ટંકારામાં 1.6 ઇંચ, ધોળકામાં 1.52 ઇંચ વરસાદ નોંધાયો હતો. આ સાથે અમદાવાદ અને અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વાવાઝોડું ફૂંકાયું હતુ જેના કારણે 300થી વધુ વૃક્ષો ધરાશાયી થયા છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજયમાં ચોમાસુ આગળ વધી રહ્યું છે. ત્યારે 5 જુલાઇ સુધી અમદાવાદ સહિત રાજ્યમાં ઝાપટાંથી માંડી ભારે વરસાદ પડવાની શક્યતા છે. ખાનગી હવામાન વિશેષજ્ઞના જણાવ્યા પ્રમાણે, ગુજરાતમાં 5 જુલાઇ સુધીમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વાદળિયા વાતાવરણ રહેશે. આ સાથે વરસાદી ઝાપટાંથી હળવો વરસાદ પણ વરસી શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં ભારે જયારે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદી ઝાપટાથી લઇને હળવો વરસાદ પડવાની શક્યતા હોવાથી ગરમી અને બફારાથી રાહત મળે તેવા એંધાણ મળ્યા છે.
ગિરિમથક સાપુતારા ખાતે ચોમાસાની શરૂઆત થતાંજ પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠતા શનિ રવિની વિકેન્ડમાં ચિક્કાર જન શૈલાબ ઉમટી પડયું છે. ત્યાંની હોટલો હાઉસફુલ થઈ ગઇ છે. કુદરતી સૌંદર્યથી ભરપૂર એવા રાજ્યના એકમાત્ર હવાખાવાનું સ્થળ સાપુતારા ચોમાસાની ઋતુમાં પ્રકૃતિ ખીલી ઉઠે છે. સાપુતારાના ટેબલ પોઈન્ટ, સનરાઈઝ પોઇન્ટ,સનસેટ પોઇન્ટ,નૌકાવીહાર, સહિત વિવિધ એડવેન્ચર એક્ટિવિટીને પગલે પ્રવાસીઓમાં ધરખમ વધારો જોવા મળ્યો છે. માર્ગો ઉપર તેમજ પાર્કિંગમાં વાહનોનો ખડકલો થઈ જતા ટ્રાફિક જામ ના દ્રશ્યો સર્જાયા હતા.તો કેટલીક હોટલોએ પ્રવાસીઓની મજબૂરીનો લાભ ઉઠાવી મનફાવે તેમ ભાડું વસુલ્યું હોવાની રાવ ઉઠી હતી.
અરવલ્લીના માલપુર તાલુકામાં પણ ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેના કારણે માલપુરના મેણીકંપામાં વાવાજોડાના કારણે ભારે નુકસાન થયુ હતુ. ભારે વાવાઝોડાના કારણે વૃક્ષ ધરસાય થયાં અને ઘરની બાજૂના પતરાં પણ ઉડી જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ડોડીયા પંચાયત વિસ્તારમાં જાલમપુર તથા ભેમ્પોડામાં રાવલવાસમાં અંદાજે 25 વીજ થાંભલા વાવાઝોડાના કારણે પડી ગયા હતા. આ સાથે નાનાવાડા ગામમાં પણ વરસાદ અને વાવાઝોડાને કારણે મકાનોના પતરાં અને શેડ ઉડી ગયા હતા. જેમાં ત્રણ લોકોને પણ ઇજા પહોંચી હતી.
અમદાવાદમાં રવિવારે મોડી સાંજે પવન સાથે પડેલા વરસાદને કારણે અમદાવાદ એરપોર્ટ પર દિલ્હીથી અમદાવાદ આવતી સ્પાઇસ જેટની ફલાઇટને સુરત ડાઈવર્ટ કરવામાં આવી હતી. વરસાદ અને ટેકનિકલ કારણોસર 4 એરલાઈન્સની 5 ફલાઇટ 1 કલાકથી લઇને 2.20 મિનિટ મોડી પડી હતી. વાતાવરણમાં પલટા બાદ પવન સાથે વરસાદ તૂટી પડતા વિઝીબીલીટી ઘટી જતાં દિલ્હીથી અમદાવાદ આવતી સ્પાઇસ જેટ એરલાઇન્સની ફલાઇટને સુરત ડાઈવર્ટ કરાઇ હતી.