અમદાવાદ: આજે રાજ્યમાં સર્વત્ર વરસાદ નોંધાયો છે, ત્યારે ભાદરવામાં ભરપૂર વરસાદની મોસમ ખીલી છે. વરસાદની વિદાયની ઘડીઓ ગણાઇ રહી છે તેવામાં જ મેઘરાજા જમાવટ કરી રહ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદે આજે રાજ્યમાં રમઝટ બોલાવી છે. રાજ્યમાં અનેક જગ્યાએ વાવાઝોડા સાથે ધોધમાર તો ક્યાંક કડકા ભડાકા સાથે મેધમહેર જોવા મળી. અમુક જગ્યાએ ધીમી ધારે વરસાદ પડ્યો છે. ગરમી અને ઉકળાટથી ત્રાસી ગયેલા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. વરસાદને કારણે વાતાવરણમાં ઠંકક પ્રસરી છે.
આજે રાજ્યમાં ગરજેલા વાદળ વરસ્યા છે. કાળા ડિંબાગ વાદળો છવાતાં ધોળા દિવસે અંધારપાટા છવાયો હતો. આટલું જ નહીં, ભારે પવનને લીધે ઘણી જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા હોવાનું પણ સામે આવ્યું છે. રાજ્યના 100 તાલુકામાં મેઘમહેર જોવા મળી છે. અંજારમાં સૌથી વધુ 3 ઈંચ વરસાદ નોંધાયો છે. ખંભાળિયામાં 2 ઈંચ વરસાદ, નડિયાદ, ધરમપુરમાં 2-2 ઈંચ વરસાદ, બાલાસિનોર, પેટલાદમાં 2-2 ઈંચ વરસાદ, સિંગવડમાં દોઢ ઈંચ વરસાદ નોંધાયો, ખેરગામમાં પણ દોઢ ઈંચ જેટલો વરસાદ, માળિયા હાટીના, કઠલાલમાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.
ગીર સોમનાથના તાલાલા શહેરમાં પણ વરસાદે રમઝટ બોલાવી હતી. તાલાલા શહેર અને આસપાસના ગ્રામ્ય પંથકમાં દોઢ ઈંચ વરસાદ પડ્યો છે. દોઢ ઈંચ વરસાદથી અનેક જગ્યાએ પાણી ભરાયા હતા. જ્યારે રાજકોટમાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ છવાયો છે. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે. ત્રિકોણ બાગ, યાજ્ઞિક રોડ, રેસકોર્ષ રીંગ રોડ, કિશાનપરા ચોકમાં વરસાદ જામ્યો છે. દ્વારાકાના ખંભાળીયામાં રસ્તા પર નદીઓ જેવા દ્રશ્યો સર્જાયા હતા. નવસારી જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો આવ્યો હતો. નવસારી જલાલપોર ગણદેવી અને ચીખલી તાલુકામાં વરસાદ નોંધાયો છે. અહીં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવતા વરસાદ શરૂ થયો હતો. કચ્છમાં વીજળી પડતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો.
કચ્છના અંજારમાં મીની વાવાઝોડું ફૂંકાયું હોય તેવી સ્થિતિ જોવા મળી છે. અહીં ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો છે. ભારે પવનને લીધે અનેક જગ્યાએ વૃક્ષો અને વીજપોલ ધરશાયી થયા છે. વૃક્ષ વીજપોલ ધરશાયી થતાં શહેરનો વીજપુરવઠો ખોરવાયો છે. પશ્ચિમ કચ્છના માંડવી તાલુકામાં પણ ધોધમાર વરસાદ છે. માંડવીના કોડાયમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો છે. ભારે પવનથી મીની વાવાઝોડા જેવા દ્રશ્યો સર્જાયા છે. અંજારમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા જેવી હતી. ગાજવીજ સાથે મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી હતી. અહીં રસ્તા પર નદીની જેમ પાણી વહેતું થયું હતું. બજારોમાં પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો હતો. અંજારમાં સૌથી વધુ 3 ઈંચ વરસાદ નોંધાયો હતો.
અમદાવાદ શહેરમાં પણ ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. આજે બપોર બાદ કાળા ડિંબાગ વાદળો ઘેરાયા બાદ પવનના સૂસવાટા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. ગાજવીજ અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદે જાણે સમગ્ર શહેરને ધમરોળ્યું હોય તેવી સ્થિતિ સર્જાઇ હતી. અમદાવાદ શહેરમાં જાણે આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ જોવા મળી હતી. શહેરના સાયન્સ સિટીમાં કલાકમાં 3 ઈંચ, બોડકદેવમાં કલાકમાં અઢી ઈંચ વરસાદ, બોપલમાં એક કલાકમાં એક ઈંચ વરસાદ નોંધાયો હતો.