સંજય ટાંક, અમદાવાદ: ગુજરાતમાં હજુ ધોધમાર વરસાદની શક્યતાઓ છે. જેને પગલે ગુજરાતવાસીઓએ ફરી એકવાર મેઘરાજાની ધમાકેદાર બેટિંગ સામે સતર્ક રહેવું પડશે. આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. ત્રણ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપી દેવાઈ છે. આજે ઉત્તર ગુજરાતમાં અરવલ્લી, મહીસાગરમાં ભારે વરસાદની આગાહી છે, જ્યારે 23 ઑગસ્ટ બનાસકાંઠા, દાહોદ, પંચમહાલમાં ભારે વરસાદની આગાહી અને ત્રીજા દિવસે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણમાં પણ વરસાદ રહેશે. ચાલુ વર્ષે સિઝનની શરૂઆતથી જ મેઘરાજાએ ગુજરાતને ઘમરોળવાનું શરૂ કર્યું છે. હજુએ એક પછી એક રાઉન્ડ સતત ચાલુ જ છે, ત્યારે ફરી એકવાર વરસાદનો ધમાકેદાર રાઉન્ડ આવવાનો છે.
હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉક્ટર મનોરમા મોહંતિ જણાવે છે કે પાંચ દિવસ દરમિયાન ગુજરાતમાં વરસાદ રહેશે. આગામી ત્રણ દિવસ ભારે વરસાદની શક્યતાઓ છે. આજે ઉત્તર ગુજરાતમાં અરવવલ્લી, મહીસાગરમાં ભારે વરસાદ પડી શકે છે. જ્યારે 23 ઑગસ્ટ બનાસકાંઠા, દાહોદ, પંચમહાલમાં ભારે વરસાદની આગાહી અને ત્રીજા દિવસે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણમાં પણ વરસાદ રહેશે. સૌરાષ્ટ્ર કચ્છમાં પણ ભારે વરસાદની સંભાવના છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ રહેશે.
ભારે વરસાદનું એલર્ટ : આજથી ત્રણ દિવસ ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્રણ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. આજે અમદાવાદ અને ગાંધીનગરમાં સામાન્ય વરસાદ રહેશે. આવતીકાલે અમદાવાદમાં ક્યાંક ક્યાંક ભારે વરસાદ પડી શકે છે. લૉ પ્રેશર સિસ્ટમ બની હોવાને કારણે વરસાદના જોરમાં વધારો રહેશે. ત્રણ દિવસ બાદ વરસાદનું જોર ઘટશે. મહત્વનું છે કે સિઝનની શરૂઆતથી જ વરસાદની ધમાકેદાર એન્ટ્રી પછી સતત વરસાદ રહેતા જગતનો તાત મુશ્કેલીમાં છે. સતત વરસાદના કારણે ખેતીનો પાક નિષ્ફળ જઈ રહ્યો છે, તેવામાં હવે મેઘરાજા ખમૈયા કરે તેવી અરજ ખેડૂતો કરી રહ્યા છે.
સરદાર સરોવરમાંથી વધુ પાણી છોડાયું : સરદાર સરોવર ડેમમાંથી 10 દરવાજા 1.50 મીટર ખોલીને 1 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ઉપરવાસમાં સતત વરસાદ અને પાણીની આવકને પગલે આજે બપોરના 12 વાગ્યે 10ને બદલે 15 દરવાજા વધુ ઊંચાઈ સુધી ખોલીને નર્મદા નદીમાં વધુ પાણી છોડવામાં આવ્યું છે. હવે 15 દરવાજા 2.35 મીટર ખોલીને રેડિયલ ગેટમાંથી 2.50 લાખ ક્યુસેક પાણી છોડવાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત બે જળ વિદ્યુત મથકોમાંથી પણ પાણી નર્મદામાં છોડવામાં આવશે. જેના પગલે આર.બી.પી.એચ. સહિત કુલ 2.94 લાખ ક્યુસેક પાણી નદીમાં વહેશે જેથી નર્મદા ફરી બે કાંઠે વહેશે.તેના અનુસંધાને વડોદરા જિલ્લાના નર્મદા નદીના કાંઠે આવેલા ગામોમાં સંપૂર્ણ તકેદારી રાખવા અને ગામજનોને નદી કાંઠાથી સલામત અંતર જાળવવા જણાવવામાં આવ્યું છે.