અમદાવાદ: રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ 100 ટકા વરસાદ વરસી ગયો છે, ત્યારે આગામી દિવસોમાં વરસાદને લઇને હવામાન વિભાગની આગાહી સામે આવી છે. જે અનુસાર, આગામી પાંચ દિવસ દરમિયાન સામાન્ય વરસાદ રહેવાની સંભાવના છે. 5 દિવસ દરિયા કાંઠાના વિસ્તારોમાં વરસાદ રહેશે. હાલ ભારે વરસાદની શકયતા નહિંવત જોવા મળી રહી છે. ઉપરાંત અમદાવાદમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
બીજી તરફ મહેસાણા જિલ્લામાં આવેલા ધરોઈ ડેમને 621 ફૂટ સુધી ભરવાનો નિર્ણય લેવાયો છે. ખેડૂતોના હિતમાં ડેમને રૂલ લેવલથી વધુ ભરવાનો નિર્ણય લેવાયો છે. સામાન્ય રીતે ઓગસ્ટ માસમાં 619 ફૂટ રૂલ લેવલ જાળવવાનું હોય છે, જ્યારે હવે રૂલ લેવલ કરતા વધારે બે ફૂટ પાણી ભરવાનો નિર્ણય કરાયો છે. ઉપરવાસમાં ઓછો વરસાદ થતા વહીવટી તંત્ર દ્વારા આવો નિર્ણય લેવાયો છે. હાલ ધરોઈ ડેમમાં 1 દરવાજો 3 ફૂટ ખુલ્લો રખાયો છે. ડેમમાં 20,421 ક્યુસેક આવક સામે 5,838 ક્યુસેક પાણીની જાવક થઈ રહી છે. ડેમની ડેમની ભયજનક જળ સપાટી 622 ફૂટ છે. હાલ ડેમ 619.78 ફૂટ સુધી ભરાયેલો છે. બીજી રીતે જોઈએ તો ડેમમાં 91.28 ટકા પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે.