દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને તાપી જિલ્લામાં ભારે વરસાદ વરસતા છેલ્લા પાંચ વર્ષમાં 15મી જુલાઇ સુધી જે વરસાદ નોંધાયો હતો તે વરસાદના આંકડાનો રેકોર્ડ તોડી સરેરાશ 71 ટકા વરસાદ સવા મહિનામાં જ વરસી ચૂકયો છે. આ વરસાદમાં નવસારીમાં આ સિઝનમાં 79 ટકા અને વલસાડમાં 81 ટકા વરસાદે ભારે તારાજી સર્જી છે. દર વર્ષ કરતા આ વર્ષે મેઘરાજાનું જોર ભારે રહેવાની સાથે જ નવસારી અને વલસાડ જિલ્લામાં પૂર આવતા ભારે ખાનાખરાબી થઇ હતી. અને પાણી હાઇવે પર પણ ફરી વળતા હાઇવે બંધ કરી દેવો પડયો હતો. છેલ્લા પાંચ વર્ષમાં આવી સ્થિતિનું આ વર્ષે જ નિર્માણ થયુ છે.
રવિવારે અમદાવાદનું મહત્તમ તાપમાન 32.9 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ડિગ્રી નોંધાયું હતું. સોમવારે બપોર પછી શહેરમાં વરસાદનું જોર વધશે તેમજ 20 જુલાઇ સુધી વરસાદી માહોલ રહેવાનું અનુમાન હવામાન વિભાગે આપ્યું છે. લો-પ્રેશરની અસરથી આગામી 48 કલાક દરમિયાન દક્ષિણ ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ તેમજ રાજ્યના અન્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે.
અમદાવાદમાં આ સિઝનનો અત્યાર સુધીમાં સરેરાશ 18 ઈંચ વરસાદ થયો છે. 18 ઈંચ વરસાદમાં શહેરના સાત ઝોનના વિવિધ રસ્તાઓ ઉપર કુલ મળીને 4358 ખાડા પડતા સ્માર્ટનગરી ખાડાનગરી બની ગઈ છે. સમગ્ર શહેરમાં કુલ 28 સ્થળોએ બ્રેકડાઉન થવા પામ્યુ છે. આ પૈકી હજુ 21 સ્થળોએ કામગીરી ચાલી રહી હોવાને કારણે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.