અમદાવાદ: હવામાન વિભાગે (Meteorological Department) રાજ્યમાં વરસાદને લઈને આગાહી આપી છે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદ (Gujarat rain forecast) રહેશે. આ દરમિયાન અમુક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પણ પડી શકે છે. આઠમી જુલાઈના રોજ ભારેથી અતિભારે વરસાદ (Gujarat Heavy rain forecast) પડવાની આગાહી છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત (South Gujarat), મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને લઈને આગાહી આપી છે. હાલ પશ્ચિમ બંગાળમાં એક લૉ પ્રેસર બન્યું હોવાથી તેની અસર ગુજરાત પર જોવા મળશે. આ લૉ પ્રેશર મધ્ય પ્રદેશ થઈને ગુજરાત તરફ આવી રહ્યું છે. બીજી તરફ હવામાન વિભાગ તરપથી અમદાવદામાં ભારે વરસાદની કોઈ આગાહી આપવામાં આવી નથી. (સેટેલાઇટ તસવીર (સોર્સ- IMD))
હવામાન વિભાગની આગાહી: અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉક્ટર મનોરમા મોહંતીની જણાવ્યા પ્રમાણે, "આગામી પાંચ દિવસમાં આખા ગુજરાતમાં સારો એવો વરસાદ રહેશે. ભારેથી અતિભારે વરસાદ પડવાની પણ સંભાવના છે. 8મી જુલાઈના રોજ ખૂબ ભારે વરસાદ પડવાની સંભાવના છે. 7 જુલાઈ અને 8 જુલાઈના રોજ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં સારો વરસાદ પડશે. દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. ઉત્તર ગુજરાતના એકાદ જિલ્લામાં પણ ભારે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્ર કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડી શકે છે."
મનોરમા મોહંતિએ વધુમાં જણાવ્યું હતું કે, "હાલ પશ્ચિમ બંગાળમાં એક લૉ પ્રેશર બન્યું છે. આ લૉ પ્રેશર મધ્ય પ્રદેશ થઈને ગુજરાત તરફ આવશે. જોકે, ગુજરાત પહોંચવા સુધી આ સિસ્ટમ નબળી પડી જશે પરંતુ ત્યાં સુધીમાં ગુજરાતમાં સારો એવો વરસાદ પડી જશે. અમદાવાદમાં છૂટો છવાયો વરસાદ પડવાની સંભાવના છે. આજે ચોથી જુલાઈના રોજ માછીમારો માટે કોઈ વોર્નિંગ નથી. પાંચમી જુલાઈના રોજ દક્ષિણ ગુજરાતમાં માછીમારો માટે વોર્નિંગ રહેશે. છઠ્ઠી જુલાઈથી આખા ગુજરાતના દરિયાકાંઠે માછીમારો માટે વોર્નિંગ રહેશે."
રાજ્યમાં 24 કલાકમાં 155 તાલુકામાં વરસાદ: ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન 155 તાલુકામાં વરસાદ (Gujarat rainfall data) નોંધાયો છે. જેમાં સૌથી વધારે વરસાદ નવસારી (Navsari heavy rain) શહેરમાં 61 એમ.એમ. નોંધાયો છે. સોમવારે સવારે છ વાગ્યા પુરા થતાં 24 કલાક દરમિયાન રાજ્યના 23 તાલુકામાં એક ઇંચ કરતા વધારે વરસાદ થયો છે. જ્યારે બે તાલુકામાં બે ઇંચથી વધારે વરસાદ થયો છે. મહેસાણાના સતલાસણમાં 60 એમ.એમ., સાબરકાંઠાના વડાલીમાં 45 એમ.એમ., માંગરોળમાં 41 એમ.એમ., સુરતના માંડવીમાં 39 એમ.એમ., વિજયનગરમાં 38 એમ.એમ., મહીસાગરના વિરપુરમાં 38 એમ.એમ. વરસાદ પડ્યો છે. રવિવારે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ (Gujarat rain) નોંધાયો હતો. રાજ્યના 31 જિલ્લામાં રવિવારે વરસાદ નોંધાયો હતો. આ સાથે જ ગુજરાતમાં અત્યારસુધી સિઝનનો 14.72 ટકા વરસાદ (Gujarat average rainfall) પડ્યો છે. (Shutterstock તસવીર)
ઝોન પ્રમાણે વરસાદ: ઝોન પ્રમાણે વરસાદની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં કચ્છમાં સરેરાશ 0 એમ.એમ. વરસાદ પડ્યો છે. આ સાથે અહીં સિઝનનો કુલ 7.69 ટકા વરસાદ પડ્યો છે. ઉત્તર ગુજરાતમાં 24 કલાકમાં સરેરાશ 7.24 એમ.એમ. વરસાદ પડ્યો છે. અહીં સિઝનનો કુલ 10.45 ટકા વરસાદ વરસી ગયો છે. પૂર્વ-મધ્ય ગુજરાતમાં 24 કલાકમાં સરેરાશ 4.42 એમ.એમ. વરસાદ પડ્યો છે. અહીં સિઝનનો કુલ 10.39 ટકા વરસાદ પડ્યો છે.