ગાંધીનગર: ગુજરાતમાં વિધિવિત ચોમાસાનું આગમન (Gujarat Monsoon 2022) થઈ ગયું છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં હાલ સારો એવો વરસાદ પડી રહ્યો છે. બીજી તરફ હવામાન વિભાગે (Gujarat Meteorological department) આગામી પાંચ દિવસ માટે વરસાદની આગાહી (Gujarat rain forecast) કરી છે. હવામાન વિભાગ તરફથી રાજ્યમાં સામાન્ય વરસાદની તો અમુક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી (Gujarat heavy rain forecast) પણ કરવામાં આવી છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. બીજી તરફ હાલ રાજ્યના અનેક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ વરસી ગયો છે.
હવામાન વિભાગના ડારેક્ટર ડૉક્ટર મનોરમાં મોહંતીએ જણાવ્યું હતું કે, "આજે અને કાલે અમુક જગ્યાએ ભારે વરસાદ પડી શકે છે. પાંચ દિવસ રાજ્યમાં વરસાદ રહેશે. એકથી બે જગ્યાએ આજે અને કાલે ભારે વરસાદ થઈ શકે છે. અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ બનેલું રહેશે. સાંજે અને રાત્રે થન્ડરસ્ટોર્મ એક્ટિવિટી જોવા મળી શકે છે. હાલ કોઈ સિસ્ટમ સક્રિય નથી."
સંઘપ્રદેશ દાદરાનગર હવેલીના વાતાવરણમાં પલટો: ગુરુવારે સવારથી જ સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. બપોરના સમયે સેલવાસ અને આસપાસના વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો હતો. ગરમીના માહોલમાં અચાનક મેઘરાજાની એન્ટ્રીથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને લોકોએ ગરમી અને બફારાથી રાહત અનુભવી હતી.
છેલ્લા 24 કલાકમાં પડેલો વરસાદ: રાજ્યમાં ગુરુવારે સવારે છ વાગ્યા પૂરા થતા 24 કલાક દરમિયાન 71 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વરસાદ જૂનાગઢના માંગરોળમાં 79 એમ.એમ. નોંધાયો હતો. મહેમદાવાદમાં 74 એમ.એમ., માણાવદરમાં 68 એમ.એમ., તાલાલામાં 54 એમ.એમ., સાવરકુંડલામાં 39 એમ.એમ., ઉમરાળામાં 36 એમ.એમ., ઉનામાં 33 એમ.એમ. વરસાદ નોંધાયો હતો.