અમદાવાદ: ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસાનો પ્રારંભ (Gujarat Monsoon 2022) થઈ ગયો છે પરંતુ દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોના બાદ કરતા હજી સુધી જોઈએ તેવો વરસાદી માહોલ (Gujarat rainfall) જામ્યો નથી. બીજી તરફ હવામાન વિભાગે (Meteorological Department) રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદી માહોલ રહેવાની આગાહી (Gujarat Rain forecast) કરી છે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે આગામી પાંચ દિવસ વરસાદી માહોલ યથાવત રહેશે. રાજ્યમાં 24મી જૂનથી વરસાદનું જોર વધશે. બીજી તરફ રાજ્યમાં હાલ 21 તાલુકા એવા છે જેમાં બિલકુલ વરસાદ પડ્યો નથી.
ક્યાં ક્યાં વરસાદ પડશે: હવામાન વિભાગના કહેવા પ્રમાણે 24 જૂનના રોજ સુરત, તાપી, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલી, ભાવનગર, અમરેલી, ગીર-સોમનાથ અને દીવમાં ભારે વરસાદની આગાહી છે. 25 જૂનના રોજ સુરત, ડાંગ, નવસારી, દમણ, દાદરા નગર હવેલી, ભાવનગર, અમરેલી, ગીર-સોમનાથ દીવમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.
ઝોન પ્રમાણે વરસાદ: 22મી જૂનના રોજ સવારે છ વાગ્યાની સ્થિતિએ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્રમાં અત્યારસુધી સરેરાશ વરસાદની સરખામણીમાં 5.50 ટકા, દક્ષિણ ગુજરાતમાં 4.16 ટકા વરસાદ પડ્યો છે. કચ્છમાં 1.40 ટકા, ઉત્તર ગુજરાતમાં 3.30 ટકા, મધ્ય ગુજરાતમાં 2.91 ટકા વરસાદ પડ્યો છે. ગુજરાતમાં અત્યારસુધી કુલ 4.10 ટકા વરસાદ પડ્યો છે.
21 તાલુકામાં વરસાદ નહીં: રાજ્યમાં હાલ 21 તાલુકા એવા છે જેમાં બિલકુલ વરસાદ પડ્યો નથી. રાજ્યના 172 તાલુકામાં 0થી 50 એમ.એમ. વરસાદ પડ્યો છે. 51થી 125 એમએમ વરસાદ પડ્યો હોય તેવા તાલુકા 50 છે. 126થી 250 એમ.એમ. વરસાદ પડ્યો હોય તેવા તાલુકાની સંખ્યા 7 છે. 251થી 500 એમ.એમ. વરસાદ પડ્યો હોય તેવા તાલુકાની સંખ્યા 1 છે.
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં સામાન્યથી મધ્ય વરસાદની આગાહી કરાઇ છે તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી પાંચ દિવસ વરસાદી માહોલ યથાવત રહેશે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે.