અમદાવાદ: ગુજરાતમાં આગામી પાંચ દિવસ મેઘરાજા મનમૂકીને વરસશે. હવામાન વિભાગ (Meteorological department) ના જણાવ્યા પ્રમાણે આગામી બે દિવસ રાજ્યમાં ભારે વરસાદ (Heavy rain forecast) પડી શકે છે. બીજી તરફ આઠમી ઓગસ્ટથી 10મી ઓગસ્ટ સુધી અતિભારે વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાત (South Gujarat) અને સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. સુરત, વલસાડ, નવસારી, તાપી, દમણ અને દાદરાનગર હવેલીમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે. જામનગર, રાજકોટ, પોરબંદર, દ્વારકામાં પણ અતિભારે વરસાદની આગાહી છે. બીજી તરફ અમદાવાદ અને ગાંધીનગર શહેરમાં પણ ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક વિજીનલાલના જણાવ્યા પ્રમાણે બંગાળની ખાડીમાં સર્જાયેલા લૉ પ્રેશરને કારણે રાજ્યમાં સારો વરસાદ પડશે. બીજી તરફ છેલ્લા 24 કલાકમાં રાજ્યના 32 જિલ્લાના 190 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વરસાદ સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણમાં 120 એમ.એમ. નોંધાયો છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ: સુરેન્દ્રનગર જિલ્લામાં સતત બીજા દિવસે વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે. સુરેન્દ્રનગર શહેરમાં વહેલી સવારથી ઝરમર વરસાદ વરસી રહ્યો છે. ગઇકાલે એક જ દિવસમાં સાડા ચાર ઇંચ વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. સતત બીજા દિવસે ઝરમર વરસાદથી લોકોના ઘરોમાં પાણી ઘૂસી જવાની ભીતિ છે.