અમદાવાદ: હવામાન વિભાગે (Meteorological department) રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી આપી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે દક્ષિણ ગુજરાત (South Gujarat)માં પાંચ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. બીજી તરફ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અરવલ્લીમાં ભારે વરસાદની આગાહી (Gujarat heavy rain forecast) છે. મધ્ય ગુજરાતની વાત કરીએ તો આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુરમાં ભારે વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.
અષાઢી બીજનો વરસાદ: આજે અષાઢી બીજના દિવસે સવારે છ વાગ્યાથી લઈને બપોરના 2 વાગ્યા સુધી રાજ્યના 90 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વરસાદ સુરતના ઓલપાડ તાલુકામાં નોંધાયો છે. અહીં ચાર ઇંચ વરસાદ ખાબક્યો છે. તાપીના ડોલવણમાં ત્રણ ઇંચ આસપાસ વરસાદ પડ્યો છે. વલસાડ જિલ્લાના પારડીમાં બે ઇંચ આસપાસ વરસાદ પડ્યો છે. રાજ્યના 14 તાલુકામાં આજે સવારે છ વાગ્યાથી બપોરના બે વાગ્યા સુધી એક ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે.
આણંદના બોરસદમાં મેઘ તાંડવ: રાજ્યમાં 24 કલાકમાં મેઘરાજાએ હેત (Gujarat rainfall) વરસાવ્યું છે. તેમાં પણ આણંદ જિલ્લા પર મેઘરાજાએ વિશેષ હેત વરસાવ્યું છે. આણંદ જિલ્લાના બોરસદમાં રાત્રે છ કલાકમાં 12 ઈંચ જેટલો વરસાદ (Borsad Heavy rain) ખાબકતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. સાંબેલાધાર વરસાદથી શહેર આખું પાણી પાણી થઈ ગયું છે. અનેક વિસ્તારોમાં ઘૂંટણ સમા પાણી ભરાયા છે. નીચાણવાળા વિસ્તારમાં આવેલા અનેક ઘરોમાં પાણી ફરી વળ્યા છે. શહેરના તમામ રસ્તાઓ પાણીમાં ગરક થઈ ગયા છે.
મોડી રાત્રે સાંબેલાધાર વરસેલા વરસાદથી એક જ રાતમાં બોરસદ શહેર પાણી પાણી થઈ ગયું હતું. ભારે વરસાદના પગલે રહેણાક વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા. જેના પગલે લોકોએ રાત ઉજાગરો કરવો પડ્યો હતો. લોકોએ ઘરોમાં રાખેલો સામાન પણ પલળી ગયો હતો. બીજી તરફ પાલિકા તંત્ર સવારથી જ પાણીના નીકાલની વ્યવસ્થામાં લાગી ગયું હતું. પહેલા જ વરસાદમાં શહેરના રસ્તાઓ પણ પાણી ભરાતા શહેરમાં પ્રી-મોન્સૂનની કામગીરી પર પણ સવાલો ઉઠ્યા છે.
ગઈકાલે સવારથી રાત સુધી આણંદ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. જિલ્લાના બોરસદ અને આંકલાવ તાલુકામાં ભારે વરસાદ થયો છે. અધિકૃત આંકડા પ્રમાણે બોરસદમાં માત્ર આઠ કલાકમાં કલાકમાં 11.3 ઈંચ વરસાદ ખાબક્યો છે. આણંદ જિલ્લાના અન્ય તાલુકામાં પડેલા વરસાદની વાત કરીએ તો આંકલાવમાં 3.1 ઈંચ, સોજીત્રામાં 2.6 ઈંચ, તારાપુર અને પેટલાદમાં 1.7 ઈંચ, આણંદ અને ખંભાતમાં 1-1 ઈંચ વરસાદ નોંધાયો છે.
24 કલાક દરમિયાન રાજ્યના 118 તાલુકામાં વરસાદ: શુક્રવારે સવારે છ વાગ્યે પુરા થતા 24 કલાક દરમિયાન રાજ્યના 118 તાલુકામાં વરસાદ (Gujarat rainfall data) નોંધાયો છે. જેમાં સૌથી વધારે 11 ઇંચ વરસાદ આણંદના બોરસદ (Borsad heavy rain)માં નોંધાયો છે. સુરતના કામરેજમાં આઠ ઇંચ વરસાદ પડ્યો છે. સુરત શહેરમાં સાત ઇંચ વરસાદ પડ્યો છે. સુરતના ઉમરપાડામાં પણ સાત ઇંચ આસપાસ વરસાદ ખાબક્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના આઠ તાલુકામાં ચાર ઇંચ કરતા વધારે વરસાદ (Gujarat monsoon 2022) પડ્યો છે. 27 તાલુકા એવા છે જ્યાં બે ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે. એક ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો હોય તેવા તાલુકાની સંખ્યા 53 છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 27 જિલ્લામાં વરસાદ નોંધાયો છે.
રાજ્યમાં અત્યારસુધી કેટલો વરસાદ પડ્યો? : રાજ્યમાં અત્યારસુધી સિઝનનો 9.41 ટકા વરસાદ પડ્યો છે. હાલ એવા છ તાલુકા છે જેમાં બિલકુલ વરસાદ નોંધાયો નથી. ઝોન પ્રમાણે વરસાદની વાત કરીએ તો કચ્છમાં અત્યારસુધી સરેરાશ 18.40 એમ.એમ., વરસાદ પડ્યો છે, જે સિઝનનો 4.03 ટકા છે. ઉત્તર ગુજરાતમાં સરેરાશ 30.24 એમ.એમ. વરસાદ પડ્યો છે, જે સિઝનનો કુલ 4.20 ટકા વરસાદ છે. પૂર્વ-મધ્ય ગુજરાતમાં સિઝનનો સરેરાશ 68.75 એમ.એમ. વરસાદ પડ્યો છે, જે સિઝનનો 8.53 ટકા વરસાદ છે. સૌરાષ્ટ્રમાં સરેરાશ 74.96 ટકા વરસાદ પડ્યો છે, જે સિઝનનો 10.6 ટકા છે. દક્ષિણ ગુજરાતમાં સરેરાશ 173.15 એમ.એમ. વરસાદ પડ્યો છે. અહીં સિઝનનો 11.73 ટકા વરસાદ પડ્યો છે.