એક સપ્તાહથી વધુ સમયથી રાજ્યમાં વધતા ઓછા પ્રમાણમાં અલગ-અલગ વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. હજુ પણ હળવો વરસાદ યથાવત છે. એવામાં હવામાન વિભાગના અનુમાન પ્રમાણે રવિવારે બનાસકાંઠા અને સાબરકાંઠામાં ભારે વરસાદની સંભાવના છે. આ ઉપરાંત 15 ઓગસ્ટે નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. જ્યારે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, સુરત, ડાંગ અને તાપીમાં ભારે વરસાદ વરસી શકે છે.
16 ઓગસ્ટે બનાસકાંઠા, સાબરકાંઠા, નવસારી અને વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. જ્યારે ભરૂચ, સુરત, ડાંગ, તાપી, કચ્છ તથા દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની સંભાવના છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 84 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જેમાં કચ્છમાં સૌથી વધુ 133 ટકા વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગે ચાલુ સિઝનમાં રાજ્યમાં સામન્ય કરતાં વધુ વરસાદની સંભાવના દર્શાવી હતી. જે સાચી ઠરે તો નવાઈ નહીં. કારણ કે હજુ પણ વરસાદનો એક મહિનો બાકી છે.