રાજ્યમાં 24 કલાકમાં વરસાદનું જોર ઘટ્યું છે. આંકડા પ્રમાણે વાત કરીએ તો ગુજરાતનાં 39 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જેમા સૌથી વધુ બનાસકાંઠાના અમીરગઢમાં 1.36 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે સાબરકાંઠાના પોશીનામાં 1.12 ઇંચ, કચ્છનાં રાપરમાં 1.11 ઇંચ, અને ભાવનગરનાં તળાજામાં એક ઇંચ વરસાદ નોંધાયો છે. આ સાથે અમદાવાદ શહેરમાં 19 એમએમ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે હવે બંગાળની ખાડી (Bay of Bengal)માં જે લૉ પ્રેશર (Low Pressure) સર્જાયા બાદ સિસ્ટમ બની હતી તે પાકિસ્તાન (Pakistan) તરફ ફંટાઈ ગઈ છે. જેના પગલે હવે આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદ (Heavy Rain)ની શક્યતા નથી. આ સમાચારથી ખેડૂતોએ હાશકારો અનુભવ્યો છે.
ઉપરવાસમાં ભારે વરસાદ અને આગળના ડેમોમાંથી પાણીની આવકને કારણે હાલમાં સરદાર સરોવરમાં 11.30 લાખ ક્યુસેક પાણી આવી રહ્યું છે. નર્મદા ડેમમાં 81 ટકાથી વધારે પાણી છે. હાલની સપાટી 133 મીટર છે. ડેમમાંથી 23 દરવાજા 8.65 મીટર ખોલી 11.30 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. મંગળવારે ડેમમાં 7691 એમ.સી.એમ. ગ્રોસ સ્ટોરેજ જ્યારે 3991 એમ.સી.એમ. લાઇવ સ્ટોરેજ છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી હતી કે, રાજ્યમાં 26થી 29 ઓગસ્ટ સુધી વરસાદનું જોર ઘટશે. આ ઉપરાંત 30 ઓગસ્ટથી વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થશે. જેના કારણે 30 ઓગસ્ટથી 3 સપ્ટેમ્બર સુધી ઉત્તર અને મધ્ય ગુજરાત સહિત રાજ્યના કેટલાક ભાગમાં ભારે વરસાદ થશે. ચોથી સપ્ટેમ્બરના દરિયાકિનારે ભારે પવન ફૂંકાશે. જે બાદમાં 7 થી 12 સપ્ટેમ્બર સુધી ફરી વરસાદ પડશે.