અમદાવાદ: ખેડૂતો માટે ખૂબ જ ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ગુજરાત માટે ચોમાસાને લઈને થોડી ચિંતા રહી શકે છે. ગુજરાત સહિત દેશમાં સામાન્ય વરસાદ પડી શકે છે. ખાસ કરીને ગુજરાતમાં પણ મધ્યમ અથવા સામાન્ય ચોમાસું રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. દેશમાં મોટા ભાગે ચોમાસું સારૂં રહેશે. હવામાન વિભાગે સત્તાવાર જાહેરાત કરી છે. દેશમાં 96 ટકા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સાથે જ અલનીનોની અસર જોવા મળી શકે છે. જોકે, જુલાઇ મહિના બાદ અલનીનો અંગે ચિત્ર સ્પષ્ટ થશે.
ખાસ કરીને અલનીનોની અસર ઓગસ્ટ મહિનામાં પડે તેવું અનુમાન છે. ગુજરાત સહિત દેશમાં સામાન્ય વરસાદ પડી શકે છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા ચોમાસાને લઇને જાહેર કરવામાં આવેલા પૂર્વાનુમાને ખેડૂતોની ચિંતા વધારી છે. ખાસ કરીને ગુજરાતમાં ઉનાળા દરમિયાન માવઠાને લીધે ખેડૂતોને ભારે નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો, આવામાં ખેડૂતો ચોમાસાથી મીટ માંડીને બેઠા હતા. પરંતુ ગુજરાતમાં મધ્યમ અથવા સામાન્ય વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
ભારતીય હવામાન વિભાગે આ વર્ષે ચોમાસું સામાન્ય રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે, અલ નીનો કન્ડિશન રહેવાની સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. જૂનથી સપ્ટેમ્બર સુધીમાં 96% વરસાદ રહેવાની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે. જોકે, તેમાં 4% ઉપર-નીચે થવાની શક્યતાઓ પણ વ્યક્ત કરાઈ છે. પાછલા 50 વર્ષના આંકડા પ્રમાણે 96થી 104% વચ્ચેનો વરસાદ સામાન્ય માનવામાં આવે છે. ભારતમાં જૂન મહિનામાં ચોમાસાની શરુઆત થતી હોય છે અને ચાર મહિનામાં સરેરાશ 87 સેન્ટિમીટર વરસાદ રહેતો હોય છે.
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, 2થી 5 જૂન વચ્ચે કેરળમાં ચોમસું બેસવાનું અનુમાન છે. ગુજરાતમાં ચોમાસાની ઋતુની 15 જૂનથી શરુઆત થઇ જાય છે, પરંતુ પાછળના વર્ષોમાં જોઈએ તો મોટાભાગના વર્ષોમાં ચોમાસાના વરસાદનું આગમન 15 જૂન બાદ થયું છે. ચાલુ વર્ષે ગુજરાતમાં ચોમાસું 20થી 22 જૂનમાં બેસી જવાનું અનુમાન છે. ગુજરાતમાં પણ સમય કરતાં 5થી 6 દિવસ મોડું બેસવાનું અનુમાન છે. પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં સામાન્ય ચોમાસું રહેશે. 94થી 100 ટકા વરસાદ થવાની શક્યતા છે. તેમજ ચોમાસું નિયમિત રહેશે. ગુજરાતના કૃષિ પાક માટે એકંદરે ચોમાસું સારું રહેશે. રેગ્યુલર ચોમાસું રહેશે.
ચોમાસું ક્યારે બેસશે? તેની રાહ જોવાઈ રહી છે. આવામાં હવામાન વિભાગ દ્વારા ચોમાસાને લઈ પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું હતું. જે પ્રમાણે દેશમાં ચોમાસું 4 જૂને બેસી જવાનું અનુમાન છે. જોકે, ચોમાસું 4 દિવસ આગળ પાછળ રહેવાનું પણ અનુમાન છે. દેશમાં ચોમાસાની શરુઆત કેરળથી થાય છે. કેરળમાં ચોમાસુ બેસી ગયા બાદ ગુજરાતમાં 15 દિવસ બાદ ચોમાસું બેસતું હોય છે. આવામાં ચાલુ વર્ષે ચોમાસું કેરળમાં 4 જૂન અથવા 4 દિવસ આગળ પાછળ રહેવાનું પુર્વાનુમાન જાહેર કરાયું હતું.