અમદાવાદ: આજે 9 લાખથી વધુ ઉમેદવારોનું ભાવિ ડામાડોળ થયુ છે. ઉમેદવારોએ વર્ષોથી કરેલી મહેનત જાણે એડે ગઇ હોય તેવી પરિસ્થિતિ સર્જાઇ છે. રાજ્યમાં જુનિયર ક્લાર્કના પેપર લીકની ઘટના સામે આવી છે. પરીક્ષા પહેલા પેપર લીક થતા પરીક્ષા રદ કરવામાં આવતા રાજ્યભરમાં ઉમેદવારોનો રોષ ભભૂકી ઉઠ્યો છે. આ બાબતે પોલીસ તપાસ દરમિયાન વડોદરાથી એક યુવકની ધરપકડ કરી છે. યુવક પાસેથી પ્રશ્રપત્રની નકલ મળી આવી હતી. 1181 જગ્યા માટે પરીક્ષા યોજાવાની હતી.
આજે રાજ્ય સમસ્તની જેમ ડાંગમાં પણ 17 પરીક્ષા કેન્દ્રો ઉપર ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની જુનીયર કલાર્કની સ્પર્ધાત્મક પરીક્ષા હતી. જેના માટે વિદ્યાર્થીઓએ ખૂબ મહેનત કરી હતી. જોકે પેપર લીક થવાની વાતને લઈને આ પરીક્ષા “મોકુફ” રાખવાની મંડળ ધ્વારા જાહેરાત કરવામાં આવી છે. જેના કારણે ડાંગ જિલ્લા અને જિલ્લા બહારથી આવેલ પરિક્ષાર્થીઓમાં નારાજગી જોવા મળી હતી.
ભાવનગરમાં પરીક્ષા રદ થતા વિદ્યાર્થીઓનો એસટી બસ સ્ટેશન પર જ હોબાળો થયો છે. પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓ કડકડતી ઠંડીમાં પરેશાન થવાનો વારો આવ્યો છે. ભાવનગરમાં કુલ 55 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના હતા. વિદ્યાર્થીઓએ સરકાર સામે અનેક પ્રશ્નો કર્યા છે. આવા જવાબદાર સામે પગલા લેવાની માંગ કરી છે. વિદ્યાર્થીઓએ એવા પણ આક્ષેપ કર્યા છે કે, સરકાર દરેક પરીક્ષામાં દાવા કરે છે કોઈ ગેરરીતિઓ નહિ થાય અને પછી સમય આવે પેપર ફૂટે છે. આ સાથે એક વિદ્યાર્થીએ એમ જણાવ્યુ કે, અમને સમજાતુ નથી કે પેપર ફૂટ્યું કે અમારી કિસ્મત ફૂટી છે?'
વિદ્યાર્થીઓમાં રોષનો માહોલ ફેલાયો છે. બનાસકાંઠા જિલ્લામાં પણ દૂર દૂરથી વિદ્યાર્થીઓ આવ્યા હતા અને પેપર મોફૂક રાખવાનું સામે આવતા પરીક્ષા કેન્દ્ર પરથી વિદ્યાર્થીઓ પરત ઘરે ફરી રહ્યા છે. પેપર લીકને લઈને વિદ્યાર્થીઓમાં રોષનો માહોલ છે. બનાસકાંઠામાં પાટણ સાબરકાંઠા અમદાવાદથી જિલ્લાઓમાંથી વિદ્યાર્થીઓ પરીક્ષામાં આપવા માટે આવ્યા હતા અને વિલા મોઢે જ પરત ફરી રહ્યા છે. વાલીઓની માંગ છે કે, પેપર લીક કરનાર તમામ લોકોને ફાંસી આપવામાં આવે.
નવસારી જિલ્લાના અંદાજીત 27 હજાર વિદ્યાર્થીઓના સપના પર પાણી ફરી વળતા વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. ડાંગના વિદ્યાર્થીઓ 150 કિલોમીટર કાપીને પોતાના સપના માટે પરીક્ષા આપવા આવ્યા હતા. પરંતુ નસીબ અજમાવે તે પહેલા જ પાણી ફરી વળ્યું. આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓ સરકાર પર આક્રોશ ઠાલવી રહ્યા છે. વિદ્યાર્થીઓની સરકાર પાસે માગણી છે કે યોગ્ય જરુરી પગલા ભરી ન્યાય આપવામાં આવે.