અમદાવાદ: હાલ રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થઇ રહ્યો છે. ફેબ્રુઆરી મહિનામાં જ બપોરના સમયમાં ગરમીનો અહેસાસ થઇ રહ્યો છે. આવામાં આગામી સમયમાં ગરમી પણ ભૂકા કાડશે કે શું? તે અંગે લોકોમાં ચર્ચા થઇ રહી છે. આ સાથે જ રાજ્યમાં ગરમીને લઇને મોટી આગાહી સામે આવી રહી છે. ગુજરાતીઓને આકરી ગરમી માટે તૈયાર રહેવું પડશે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીનું અનુમાન છે કે, આ વખતે ગરમી રેકોર્ડ તોડશે.
હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીનું ગરમીને લઇને અનુમાન સામે આવ્યું છે. પરેશ ગોસ્વામી અનુસાર, એપ્રિલ અને મે મહિનામાં આકરી ગરમી પડવાનું અનુમાન છે. આ વખતે હિટવેવના 7 રાઉન્ડ આવી શકે છે. 20 ફેબ્રુઆરી બાદ ઉનાળાની શરૂઆત થઈ જશે. માર્ચ મહિનામાં 41થી 45 ડિગ્રી તાપમાન રહી શકે છે. માર્ચમાં ગરમી બે દાયકાનો રેકોર્ડ તોડી શકે છે. 14 એપ્રિલ અને 20 મે સુધી આકરી ગરમી પડશે. એપ્રિલ-મેમાં ગરમી 45 ડિગ્રીનો આંક વટાવશે.
બીજી બાજુ, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે. ગુજરાતના ખેડૂતો સાવધાન થઇ જજો. રાજ્યમાં બેવડી ઋતુ વચ્ચે ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. રવી પાક પર વધુ એક માવઠાના એંધાણ છે. અંબાલાલ પટેલ અનુસાર, 22થી 26 ફેબ્રુઆરી દરમિયાન માવઠું થઈ શકે છે. રાજ્યના મોટાભાગના વિસ્તારમાં માવઠું થઈ શકે છે.
રાજ્યમાં હાલ બેવડી ઋતુ અનુભવાઇ રહી છે. સવારે અને રાત્રે ઠંડી જોવા મળે છે. જ્યારે દિવસે ગરમીનો અહેસાસ થઇ રહ્યો છે. આવામાં અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતના હવામાનને લઇને મોટી આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલે રાજ્યમાં માવઠાની આગાહી કરી છે. ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં માવઠું થઈ શકે છે. મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં માવઠું થઈ શકે છે. ઉપરાંત સૌરાષ્ટ્રના જિલ્લાઓ, દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં માવઠું થઈ શકે છે. માર્ચમાં પણ માવઠું થવાની આશંકા છે.