વિભુ પટેલ, અમદાવાદ : આજે ગુજરાતનો સ્થાપના (Gujarat Foundation Day 2022) દિવસ છે. ગુજરાતના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે એ દિવસને પણ યાદ કરીએ જ્યારે 1 મે 1960ના વિધાનસભા મળી હતી. સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં આવેલા ડોકટર જીવરાજ મહેતા અસ્મિતા ભવનમાં પહેલી વિધાનસભા મળી હતી. આ અસ્મિતા ભવન ગુજરાતના સ્થાપના દિવસનું સાક્ષી બની આજે પણ અડીખમ ઉભું છે. મહારાષ્ટ્રમાંથી ગુજરાત અલગ પડ્યું અને ત્યાર બાદ 1 મે 1960ના અસ્મિતા ભવનમાં વિધાનસભા મળી હતી. ડોકટર જીવરાજ મહેતા ગુજરાતના પહેલા મુખ્યમંત્રી બન્યા હતા અને અસ્મિતા ભવનમાં પહેલી વિધાન સભા મળી હતી.આ તસ્વીરમાં દેખાતું સ્ટ્રક્ચર આજે પણ યથાવત છે.
સિવિલ હોસ્પિટલમાં લોકો આવે છે.અસ્મિતા ભવનને જોવે છે.પરંતુ કોઈને ખબર નથી હોતી કે આજ અસ્મિતા ભવન પ્રથમ વિધાન સભા મળી હતી.આજે પણ સ્ટેજ છે જ્યાં સ્પીકર બેસતા હતા. આજે સિવિલ હોસ્પિટલની ઓપીડી છે તે જગ્યા પર મંત્રીઓની ઓફિસ હતી. 1 મે 1960થી 1963 સુધી વિધાનસભા અસ્મિતા ભવનમાં હતી. વિધાનસભામાંથી મંત્રી ઓફિસ જવા માટેનો જે દરવાજો હતો તે પણ આજે યથાવત છે.
સિવિલ હોસ્પિટલના એડિશનલ સુપરિટેનડેન્ટ ડોકટર રજનીશ પટેલે ન્યુઝ 18 ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે, લોકો સિવિલ હોસ્પિટલમાં આવે છે પરંતુ આ અસ્મિતા ભવન વિશે કોઈ જાણતું નથી. 1 મે 1960ના પ્રથમ વિધાનસભા ગૃહ આ ભવનમાં મળ્યું હતું. મહારાષ્ટ્રમાંથી ગુજરાત અલગ પડ્યું ત્યારે વિધાનસભા ગૃહ, મંત્રીઓની ઓફીસ, વહીવટી ઓફીસ ચલાવવા માટે અસ્મિતા ભવનની પસંદગી કરવામાં આવી હતી. પ્રથમ વિધાનસભા ગૃહ મળ્યું હતું તેની તસવીર પણ આજે અસ્મિતા ભવનમાં રાખવામાં આવી છે.